08 June, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BJPના વર્કર્સ યુનિયનના સેક્રેટરી અજિત આચરેકરે BJPમાં પ્રવેશ કર્યો ત્યારની તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ શુક્રવારે મધરાત બાદ ૨.૩૦ વાગ્યે પાંચ કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યાં હતાં. આ કાર્યવાહી અંતર્ગત મહત્ત્વની બાબત એ હતી કે ધરપકડ કરાયેલા ૬ આરોપીઓમાં એક આરોપી ભારતીય જનતા પાર્ટી (BJP)નો પદાધિકારી છે.
આ ઇન્ટરનૅશનલ ગોલ્ડ સ્મગલિંગ રૅકેટમાં BJPના વર્કર્સ યુનિયનના સેક્રેટરી અજિત આચરેકર સહિત રોહિત સિંહ, સંતોષ સુભાષ, સમીઉલ્લા શાહ, હમીદ ખાન અને ફલીલ મોહમ્મદ કાસિમની ધરપકડ કરવામાં આવી છે.
સોનાનું સ્મગલિંગ થવાનું હોવાની પાકી માહિતી મળી હોવાથી DRIના અધિકારીઓએ વૉચ રાખી હતી અને ઍરપોર્ટ પર શંકાસ્પદ હિલચાલ કરી રહેલા એ ૬ આરોપીઓને ઝડપી લેવાયા હતા. તેમની પૂછપરછ અને ચકાસણી કરતાં પાંચ કરોડ રૂપિયા કરતાં વધુનું સોનું તેમની પાસેથી મળી આવ્યું હતું.
અજિત આચરેકરે થોડા મહિના પહેલાં જ BJPમાં એન્ટ્રી લીધી હતી. મહારાષ્ટ્રના BJPના પ્રદેશાધ્યક્ષ રવીન્દ્ર ચવાણની ઉપસ્થિતિમાં તેનો પક્ષપ્રવેશ કરવામાં આવ્યો હતો. પક્ષપ્રવેશ પછી તરત જ તેને પક્ષના અખિલ ભારતીય કામગાર કર્મચારી સંઘના સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે તેનું નામ ગોલ્ડના સ્મગલિંગ સાથે જોડાતાં ખળભળાટ મચી ગયો છે.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર રવિવારે કસ્ટમ્સ અધિકારીઓએ બૅન્ગકૉકથી પાછા ફરેલા ભારતીય પૅસેન્જરને ૨૯ વિદેશી જંગલી એક્ઝૉટિક પ્રાણીઓ સાથે ઝડપી લીધો હતો એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. જપ્ત કરાયેલાં પ્રાણીઓમાં એક ગિબન, મેલાનિસ્ટિક ખિસકોલી, બોલ અજગર અને ઇગુઆનાનો સમાવેશ છે. એક ઑફિસરે કહ્યું હતું કે ‘મુસાફરને અટકાવ્યા પછી રેસ્ક્યુઇન્ક અસોસિએશન ફૉર વાઇલ્ડલાઇફ વેલ્ફેર, વાઇલ્ડલાઇફ ક્રાઇમ કન્ટ્રોલ બ્યુરો અને વન વિભાગના નિષ્ણાતોની બનેલી એક બચાવ-ટીમને પ્રાણીઓની ઓળખ કરવા, તેમની સારવાર કરવા અને સ્ટેબલ કરવા માટે બોલાવવામાં આવી હતી. સિવિલ એવિયેશન મંત્રાલયની ગાઇડલાઇન્સ અનુસાર જપ્ત કરાયેલાં પ્રાણીઓને એમના દેશમાં પાછાં મોકલવામાં આવશે જ્યાંથી તેમની તસ્કરી કરવામાં આવી હતી.’
પુણેના આળંદી-મરકળ રસ્તા પર તુળાપુરમાં એક રિસૉર્ટમાં ‘પ્રોજેક્ટ X’ નામથી રેવ પાર્ટી યોજવામાં આવી હોવાની જાણ થતાં જ પોલીસે શનિવારે મધરાતે અઢી વાગ્યે રેઇડ પાડીને પાર્ટીમાં હાજર ૧૦૭ પુરુષો અને ૪૯ મહિલાઓની અટકાયત કરી હતી. અટકાયત થઈ એમાં ૨૧ વર્ષથી નાની ઉંમરના ત્રણ જણ પણ હોવાની માહિતી પોલીસે આપી હતી. પોલીસે બધાને તાબામાં લઈને પૂછપરછ તેમ જ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર રેઇડ દરમ્યાન તેમને ૯,૨૨,૦૦૦ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, ૩ કિલો ગાંજો, હુક્કાની ૧૦ પ્રતિબંધિત ફ્લેવર્સ, હુક્કા પૉટ્સ મળી આવ્યાં હતાં. આ બધો સામાન ઉપરાંત વાહનો અને અન્ય સાહિત્ય પણ પોલીસે જપ્ત કર્યાં હતાં જેની કુલ કિંમત ૮૫ લાખ રૂપિયાની છે. આ મામલે ૧૫૬ જણની અટકાયત કરાઈ છે, પણ ગુનો પાર્ટીના મુખ્ય આયોજક ઉપરાંત અન્ય ૭૮ જણ વિરુદ્ધ નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ડ્રગ્સના ઉપયોગ અને એક્સાઇઝના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો નોંધાયો હોવાની માહિતી પોલીસે આપી હતી. પોલીસે જણાવ્યા અનુસાર આ પાર્ટીનું કોડનેમ ‘પ્રોજેક્ટ X’ રાખવામાં આવ્યું હતું અને એની માટે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પરવાનગી પણ આપી હતી. જોકે સમય પૂરો થયા છતાં પાર્ટી ચાલું રહેતાં રેઇડ પાડવામાં આવી હતી અને ત્યારે દારૂ ઉપરાંત હુક્કા અને ગાંજાનું સેવન કરવામાં આવતું હોવાનું પણ પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. ૧૫ પોલીસ ઑફિસર્સ અને ૬૫ પોલીસ-કર્મીઓએ આ કાર્યવાહી પાર પાડી હતી.