મહારાષ્ટ્ર કે હમ ધુરંધર! સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં મહાયુતિએ બોલાવ્યો સપાટો

22 December, 2025 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJP, શિંદેસેના અને અજિત પવારની NCPનો ૨૮૮માંથી ૨૧૩ મ્યુનિસિપલ બૉડીઝ પર કબજો

મહાયુતિના ત્રણેય સાથી-પક્ષના નેતા

નગરપરિષદો અને નગરપંચાયતો મળીને ૨૮૮ સંસ્થાઓમાંથી ૨૧૩માં વિજય: BJPએ ૧૨૯ તથા શિંદેસેનાએ ૫૧, NCPએ ૩૩ કબજે કરી: કૉન્ગ્રેસને ૩૩ મળી, શિવસેના (UBT) અને NCP (SP)નો  ૮-૮ સાથે સંપૂર્ણ રકાસ થયો

સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના ઇલેક્શનમાં મહાયુતિની ડબલ સેન્ચુરી

BJP, શિંદેસેના અને અજિત પવારની NCPનો ૨૮૮માંથી ૨૧૩ મ્યુનિસિપલ બૉડીઝ પર કબજો; મહા વિકાસ આઘાડીને માત્ર ૫૧  સંસ્થાઓમાં વિજય મળ્યો

બે તબક્કામાં યોજાયેલી ૨૮૮ નગરપરિષદો અને નગરપંચાયતોની ચૂંટણીઓની મતગણતરી ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે શરૂ થઈ હતી અને બપોર સુધીમાં મહાયુતિના ત્રણેય સાથી-પક્ષોનો વિજય સ્પષ્ટ થઈ ગયો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) ૧૨૯ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં વિજય સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી હતી. એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાને ૫૧ સંસ્થાઓમાં અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને ૩૩ સંસ્થાઓમાં વિજય મળ્યો હતો.

ચૂંટણીમાં વિજય પાકો થઈ ગયો એ પછી હેડ ઑફિસમાં ઉજવણી કરતા BJPના રાજ્યના પ્રેસિડન્ટ રવીન્દ્ર ચવાણ અને અન્ય નેતાઓ.

સામે પક્ષે વિરોધ પક્ષના ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA)ના શિવસેના (UBT)ને ૮, NCP (શરદ પવાર)ને ૮ અને કૉન્ગ્રેસને ૩૫ જગ્યાએ જ વિજય મળતાં MVAનો કારમો પરાજય થયો હતો. મહાયુતિએ કુલ મળીને ૨૧૩ નગરપરિષદો અને નગરપંચાયતો પર જીત મેળવી હતી તો MVAના ભાગે ૫૧ જ સંસ્થાઓ આવી હતી. આમાંની ઘણીબધી સંસ્થાઓમાં બન્ને ગઠબંધનોના 
સાથી-પક્ષો વચ્ચે ફ્રેન્ડ્લી ફાઇટ થઈ હતી.

નોંધઃ આ આંકડા અપડેટ થઈ શકે છે.

પાર્ટી     સંસ્થા    અધ્યક્ષ    મેમ્બર
BJP    ૧૨૯     ૧૨૦    ૩૩૨૫
શિવસેના    ૫૧     ૫૬    ૬૯૫
NCP    ૩૩    ૩૬    ૩૧૧
કૉન્ગ્રેસ     ૩૫    ૩૪    ૧૩૦૦
શિવસેના (UBT)    ૮    ૯    ૩૭૮
NCP (SP)     ૮    ૮    ૧૫૩

આ પરિણામો તો મ્યુનિસિપલ ઇલેક્શનનું ટ્રેલર છેઃ એકનાથ શિંદે

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ ગઈ કાલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓનાં પરિણામ પછી કહ્યું હતું કે ‘૧૫ જાન્યુઆરીએ મ્યુનિસિપલ કૉર્પોરેશન્સની જે ચૂંટણીઓ યોજાવાની છે એનું આ પરિણામો ટ્રેલર છે. આ પરિણામો દર્શાવે છે કે જનતા રાજકારણ કરતાં વિકાસને વધુ પસંદ કરે છે.’ શિવસેના પ્રમુખે તેમની પાર્ટીના ‘સ્ટ્રાઇક-રેટ’ને પણ વખાણ્યો હતો અને કહ્યું હતું કે ‘મહાયુતિએ ૨૦૦નો આંકડો પાર કર્યો છે. એમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ સેન્ચુરી ફટકારી છે તો શિવસેનાએ હાફ સેન્ચુરી ફટકારી છે. શિવસેના ઘણી ઓછી બેઠકો પર ચૂંટણી લડી હતી છતાં રાજ્યમાં બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી બની છે. અમારી પાર્ટી ફક્ત મુંબઈ અને થાણે સુધી મર્યાદિત નથી પણ રાજ્યના દરેક ઘર સુધી પહોંચી છે.’ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કરતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘ઇલેક્શનમાં ઘરે બેઠેલા લોકોને મતદારોએ ઘરે બેસાડી દીધા છે. લોકોએ સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે અસલી શિવસેના કોણ છે. અમારી વિચારધારા બાળાસાહેબ ઠાકરેની વિચારધારા છે. જે પાર્ટી જનતાને નકારે છે જનતા એ પાર્ટીને નકારી દે છે.’

આ પરિણામ બતાવે છે કે લોકો મહાયુતિ સરકારના પર્ફોર્મન્સથી ખુશ છે : અજિત પવાર

ગઈ કાલે જાહેર થયેલા નગરપરિષદ અને નગરપંચાયત ઇલેક્શનનાં રિઝલ્ટ્સ પછી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે કહ્યું હતું કે ‘આ પરિણામ મહાયુતિ સરકારના એક વર્ષના પર્ફોર્મન્સથી જનતાને સંતોષ છે એવું દર્શાવે છે. આના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે NCPના ડેવલપમેન્ટ માટેના તથા સેક્યુલર પૉલિટિક્સને જનતાનું સમર્થન છે.’ સરકારે લીધેલા નિર્ણયોને મતદારોમાં સ્વીકૃતિ મળી છે એમ જણાવીને તેમણે કહ્યું હતું કે લોકોએ વિકાસકામને વોટ આપ્યા છે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે વોટ આપ્યા છે. અજિત પવારે આ રિઝલ્ટ્સને મહાયુતિ-ગઠબંધનનો સામૂહિક વિજય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ‘જ્યાં પણ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડે છે ત્યાં એને મજબૂત જનસમર્થન મળ્યું છે અને જ્યાં ફ્રેન્ડ્લી ફાઇટ થઈ છે ત્યાં પણ મહાયુતિના પક્ષોએ લોકશાહી મૂલ્યોને સર્વોચ્ચ રાખ્યાં છે.’

કૉન્ગ્રેસે કટાક્ષમાં જીત માટે ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપ્યાં. વિરોધ પક્ષોએ કહ્યું કે મની ઍન્ડ મસલ પાવરનો વિજય થયો 

ગઈ કાલે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓના પરિણામોમાં પરાજય પછી વિપક્ષની પાર્ટીઓએ ઇલેક્શન કમિશન અને મની-પાવર પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. કારમા પરાજય પછી કૉન્ગ્રેસે સ્ટેટ ઇલેક્શન કમિશન પર નિશાન સાધ્યું હતું. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ હર્ષવર્ધન સપકાળે વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતાં, પણ સાથે કટાક્ષમાં સ્ટેટ ઇલેક્શન કમિશનને પણ અભિનંદન પાઠવ્યાં હતાં અને ચૂંટણીપંચ પર મહાયુતિને મદદ કરવાનો આરોપ મૂક્યો હતો. શિવસેના (UBT)ના સિનિયર નેતા અંબાદાસ દાનવેએ મહાયુતિની આ જીત માટે પૈસા અને બાહુબળને જવાબદાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ મની ઍન્ડ મસલ પાવરનો વિજય છે.

BJP નંબર વન પાર્ટી છે એ ફરી સાબિત થયું એમ જણાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે...

અમે માત્ર પૉઝિટિવ કૅમ્પેનિંગ કર્યું એટલે મતદારોએ પણ એનો સારો પ્રતિસાદ આપ્યો

સ્થાનિક સ્વરાજસંસ્થાઓની ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવ્યા પછી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસ-કૉન્ફરન્સમાં પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના ઇતિહાસમાં પાછલા અઢી દાયકાની આ સૌથી મોટી જીત છે. ભારતીય જનતા પાર્ટી (BJP) નંબર વન પાર્ટી છે એ ફરી સાબિત થયું છે. મેં અગાઉ આગાહી કરી હતી કે કુલ નગરાધ્યક્ષોમાંથી ૭૫ ટકા મહાયુતિના હશે. BJP અને મહાયુતિએ આજે ​​એ લક્ષ્ય પાર પાડ્યું છે. ૨૦૧૭માં પણ BJP નંબર વન પાર્ટી હતી, પણ ત્યારે અમારા ૧૬૦૨ સભ્યો હતા. હવે એનાથી ડબલ કરતાં પણ વધુ ૩૩૨૫ સભ્યો ચૂંટાઈ આવ્યા છે. મહારાષ્ટ્રમાં હવે કુલ સભ્યોમાંથી ૪૮ ટકા તો BJPમાંથી ચૂંટાયા છે.’ સૌથી મહત્ત્વની વાત એ છે કે અમે આ ઇલેક્શનમાં પૉઝિટિવ કૅમ્પેન કર્યું હતું એમ જણાવતાં ચીફ મિનિસ્ટરે કહ્યું હતું કે ‘કોઈ વ્યક્તિ કે પાર્ટીની વિરુદ્ધ અમે નહોતા બોલ્યા, પણ ડેવલપમેન્ટની વાત કરી હતી. અમે શું કર્યું છે અને અમે શું કરવાના છીએ એ વિશે લોકોને જણાવ્યું હતું. મતદારોએ પણ આ પૉઝિટિવ કૅમ્પેનનો ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે. કદાચ ભારતના ઇતિહાસમાં આ પહેલી એવી ચૂંટણી હશે જેમાં કોઈ પાર્ટીના મુખ્ય પ્રધાન આખા કૅમ્પેન દરમ્યાન કોઈની પણ ટીકા કર્યા વિના, કોઈની વિરુદ્ધમાં એક પણ શબ્દ બોલ્યા વિના જીત્યા હોય.’

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra political news sharad pawar uddhav thackeray shiv sena eknath shinde ajit pawar devendra fadnavis bharatiya janata party maha yuti nationalist congress party congress