બધાનાં વૉટ્સઍપ ગ્રુપ ચેક થાય છે

25 October, 2025 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સ્ટેટમેન્ટને લઈને BJPના નેતા ચંદ્રશેખર બાવનકુળે મુસીબતમાં મુકાયા

ચંદ્રશેખર બાવનકુળે

મહારાષ્ટ્રના રેવન્યુ મિનિસ્ટર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળેએ ભંડારામાં કાર્યકરોને સંબોધતી વખતે કહ્યું હતું કે તમે વૉટ્સઍપ ગ્રુપ પર કોઈ પણ મેસેજ કે ફોટો મૂકતાં પહેલાં વિચારજો, કારણ કે બધાનાં જ વૉટ્સઍપ ગ્રુપ ચેક થાય છે.

તેમના આ સ્ટેટમેન્ટ પછી વિરોધ પક્ષો તેમના પર તૂટી પડ્યા છે. ખાસ કરીને શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ચંદ્રશેખર બાવનકુળેની ધરપકડ થવી જોઈએ.

ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘હવે સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી થવાની છે એટલે પાર્ટીના વર્કરોના ફોન અને વૉટ્સઍપ ગ્રુપ પર નજર રખાઈ રહી છે. બેજવાબદારીપૂર્વક કોઈ પણ રિમાર્ક કરતાં પહેલાં કે કોઈના વિશે લખતાં પહેલાં વિચારજો.’

ચંદ્રશેખર બાવનકુળેએ આ કહ્યું એ પછી શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે આ જ રીતે વિરોધ પક્ષના અનેક નેતાઓના ફોન પણ ટૅપ કરવામાં આવ્યા છે એટલે તેમની ધરપકડ કરવામાં આવે.

વિવાદ થયા પછી ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘અમારી પાર્ટીમાં અમે અમારા પાર્ટી-વર્કરો સાથે વૉટ્સઍપ ગ્રુપ પર વાતચીત કરીએ છીએ એટલે એ બદલ મેં એ વાત કરી હતી. સંજય રાઉતે અમે શું વાત કરીએ છીએ એ જાણવામાં શું કામ રસ બતાવવો જોઈએ? તેણે અમને શા માટે કહેવું જોઈએ કે અમારે અમારી પાર્ટી કઈ રીતે ચલાવવી?’

bharatiya janata party maharashtra news maharashtra mumbai mumbai news whatsapp