તું મોહસિન ખાન છે એટલું શું બધાને મોહસિન ખાન બનાવીશ?

21 April, 2026 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPનાં નાઝિયા ખાને અંધેરીના લેન્સકાર્ટના સ્ટોરમાં જઈને મૅનેજરનો ઊધડો લેતાં કહ્યું...

બિંદી લગાવીને આવેલી નાઝિયા ખાને હિન્દુ કર્મચારીઓને તિલક લગાવ્યું હતું અને કહ્યું હતું કે તિલક કરવામાં કોઈ શરમ રાખવાની જરૂર નથી.

ભારતીય જનતા પાર્ટી (BJP)નાં માઇનોરિટી મોરચાનાં મુસ્લિમ નેતા નાઝિયા ખાન ગઈ કાલે બિંદી લગાવીને અંધેરીની લેન્સકાર્ટના સ્ટોરમાં તેમના સમર્થકો, કાર્યકરો અને કૅમેરામેન સાથે પહોંચી ગયાં હતાં. નાઝિયા ખાને સ્ટોર-મૅનેજરને નામ પૂછતાં તેણે મોહસિન ખાન હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ નાઝિયા ખાને તેને કહ્યું હતું કે ‘મોહસિન ખાન છે એટલા માટે તિલક બંધ કરાવી દીધું? ભારત દેશમાં શું શરિયા લાગુ કરાવવો છે? મુસલમાનોએ પાકિસ્તાન તો લઈ લીધું, હવે શું કામ છાતી કૂટો છો?’

એ વખતે સ્ટોર-મૅનેજર મોહસિન ખાને કહ્યું કે એ લોકો તિલક લગાવે છે. ત્યારે નાઝિયા ખાને કહ્યું હતું કે ‘બોલાવો એ બધા કર્મચારીઓને, જોઈએ કોણે-કોણે તિલક લગાવ્યું છે. તું મોહસિન ખાન છે એટલે શું બધાને મોહસિન ખાન બનાવીશ?’

જોકે હિન્દુ કર્મચારીઓએ તિલક નહોતું કર્યું એ જોઈને પછી નાઝિયા ખાને જાતે હિન્દુ કર્મચારીઓને તિલક લગાવ્યું હતું અને કહ્યું હતું કે ‘તિલક કરવામાં કોઈ શરમ રાખવાની જરૂર નથી. હું મુસ્લિમ છું તો પણ તિલક લગાવું છું. શું મોહસિન તેની નમાજ છોડે છે? એ તેનો રોઝા નથી છોડતો તો તમે શું કામ તિલક નથી કરતા?’

એ પછી સ્ટોરની બહાર નીકળતાં-નીકળતાં નાઝિયા ખાને કહ્યું હતું કે ‘હું પાછી આવીશ અને ચેક કરીશ કે તિલક રહેવા દીધું છે કે પછી ભૂંસી નાખ્યું છે.’

બોરીવલીમાં પણ લેન્સકાર્ટનો વિરોધ

ભારતીય જનતા પાર્ટીનાં બોરીવલી-વેસ્ટનાં નગરસેવિકા જિજ્ઞાસા શાહ ગઈ કાલે તેમના કાર્યકરો અને સમર્થકો સાથે બોરીવલી-વેસ્ટની લેન્સકાર્ટ પર પહોંચી ગયાં હતાં અને તેમણે કંપનીની હિન્દુવિરોધી પૉલિસી સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. એ પછી પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. તેમણે કંપનીના આ વલણનો વિરોધ કરીને દુકાન બંધ કરવાનું કહેતાં દુકાનનાં શટર પાડી દેવામાં આવ્યાં હતાં.

કંપનીની પૉલિસી વિશે જાહેરમાં સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા

કૉર્પોરેટ જેહાદના મુદ્દે નામ બહાર આવ્યા બાદ લેન્સકાર્ટ દ્વારા ક્લૅરિફેકેશન બહાર પાડવામાં આવ્યું છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે ‘અમે અમારા કર્મચારીઓ માટેની ગાઇડલાઇન્સ ટ્રાન્સપરન્ટ રાખી રહ્યા છીએ. અમે અમારા ટીમ મેમ્બર્સને દરેક ધર્મ, કલ્ચર અને એનાં પ્રતીકો જેમ કે બિંદી, તિલક, સિંદૂર, કલાવા, મંગલસૂત્ર, કડું, હિજાબ અને અન્ય સાથે તેઓ જેમ છે એમ અપનાવી રહ્યા છીએ. જો અમારા કોઈ કર્મચારી સાથે એવું બન્યું હોય તો અમે એ માટે માફી માગીએ છીએ. ફક્ત મૌખિક રીતે જ નહીં, પૉલિસી ડૉક્યુમેન્ટ્સમાં પણ આ વાત સ્પષ્ટ કરવામાં આવશે.’

mumbai news mumbai bharatiya janata party bhartiya janta party bjp andheri political news borivali