મુંબઈમાં કચરાની સમસ્યાનો આવશે ઉકેલ: જાણો શું છે BMCની યોજના

09 June, 2023 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પ્રોજેક્ટની સહાયથી ટૂંક સમયમાં મુંબઈના હજારો ટન કચરાની સમસ્યા ઉકેલાશે

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અને મહાનગર ગેસ લિમિટેડ (એમજીસી) દ્વારા ગુરુવારે શહેરમાં કચરાની સમસ્યાને દૂર કરવા અને શહેરમાં વધતાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટની સહાયથી ટૂંક સમયમાં મુંબઈના હજારો ટન કચરાની સમસ્યા ઉકેલાશે.

આ એમઓયુના હસ્તાક્ષર વખતે રાજ્યના શાળા શિક્ષણ પ્રધાન અને મુંબઇ શહેર જિલ્લાના પાલકપ્રધાન દીપક કેસરકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, “કચરામાંથી ઉત્પન્ન થતા બાયોગેસથી મુંબઇ શહેર પ્રદૂષણમુક્ત થશે, મુંબઈગરાઓ ઇકો-ફ્રેન્ડલી બાયોગેસનો ઉપયોગ પણ કરી શકશે.

મુંબઈ મહાનગરમાં આવેલી હોટલો, રેસ્ટોરાં, બેન્ક્વેટ હોલ અને મોટા શાકભાજી બજારોમાંથી વેસ્ટ ફૂડ એકઠું કરવામાં આવશે. ત્યારબાદ જૈવિક કચરામાંથી બાયોગેસ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઉપરાંત આ પ્રોજેક્ટ માટે જરૂરી બાયો-વેસ્ટને બીએમસી દ્વારા ખાસ પ્રકારના વાહન દ્વારા સપ્લાય કરવામાં આવશે.

કચરાના એકત્રીકરણ, વર્ગીકરણ અને વિતરણ માટે ખાસ પ્રક્રિયા ચલાવવામાં આવશે. બાયોગેસ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ પ્રોજેક્ટનું કામ ત્રણ તબક્કામાં પણ ચાલુ રહેશે. તેમાં બાયો વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પ્રોડક્શન પ્લાન્ટ અને ગ્રીન ફ્યુઅલ પ્રોડક્શન પ્લાન્ટ સામેલ હશે. આ પ્રોજેક્ટ દ્વારા જે ઓર્ગેનિક ગેસ ઉત્પાદિત થશે તેનો ઉપયોગ મુંબઈમાં વિવિધ કાર્યો માટે કરવામાં આવશે.

પાલકપ્રધાન કેસરકરે જણાવ્યું હતું કે, "પર્યાવરણનું સંતુલન જાળવવા માટે બાયોગેસ એ યોગ્ય વિકલ્પ છે. દરેક વ્યક્તિએ ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ કરવું જોઈએ. હાઉસિંગ સોસાયટીઓએ વિશેષ પગલાં લેવા જોઈએ. સાથે જ આ અભિયાનમાં શાળાના બાળકોને પણ સામેલ કરવા જોઈએ. જો શાળાના બાળકોમાં જાગૃતિ લાવવામાં આવે તો આ મુદ્દો દરેક ઘર સુધી પહોંચી શકશે.”

આ પણ વાંચો: બે સાધ્વીજી નાશિક પાસે ઍક્સિડન્ટમાં કાળધર્મ પામ્યાં

મુંબઇના મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલે જણાવ્યું હતું કે, મુંબઇમાં ઉત્પન્ન થતા કચરાના પ્રોસેસિંગ માટે આગામી દિવસોમાં વધુ પ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, "અમે બીએમસી વિસ્તારમાં નાગરિકો વધુને વધુ સહભાગી થાય તે માટે કચરાનું વ્યવસ્થાપન કરતી હાઉસિંગ સહકારી મંડળીઓને પ્રોપર્ટી ટેક્સમાં 5 ટકાથી 10 ટકા સુધીનું પ્રોત્સાહક પ્રોત્સાહન પણ આપી રહ્યા છીએ."

આ એમઓયુ પર બીએમસીના સોલિડ વેસ્ટના ડેપ્યુટી કમિશનર ચંદા જાધવ અને મહાનગર ગેસના વાઇસ પ્રેસિડેન્ટ માનસ દાસે હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર મુજબ બાયોગેસના ઉત્પાદન માટે દરરોજ 1000 મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તેમાંથી બાયોગેસ તૈયાર કરવામાં આવશે.

brihanmumbai municipal corporation mumbai mumbai news maharashtra