03 January, 2026 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજેન્દ્ર સપ્તે
થાણેમાં ગઈ કાલે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો. થાણેના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને શિવસેનાના નેતા રાજેન્દ્ર સપ્તેએ ટિકિટ ન મળતાં વિરોધ કૂચ કરી હતી.
થાણેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના યુતિમાં લડી રહ્યાં છે, જેને કારણે રાજેન્દ્ર સપ્તે જ્યાંથી ચૂંટણી લડવા માગતા હતા એ વૉર્ડ-નંબર ૨૫ (કલવા)ની સીટ BJPના ફાળે ગઈ હતી. આ નિર્ણયથી નારાજ રાજેન્દ્ર સપ્તેએ ગુરુવારે કલવાથી આનંદ દિઘેના સ્મારક સુધી વિરોધકૂચ કાઢી હતી. તેમના સમર્થકોના હાથમાં આનંદ દિઘેનો ફોટો હતો, જેના પર લખેલું હતું કે ‘સાહેબ નિષ્ઠાવંતાચી હાર ઝાલી.’
રાજેન્દ્ર સપ્તે એકનાથ શિંદેના પૉલિટિકલ ગુરુ ગણાતા આનંદ દિઘેના કટ્ટર સમર્થક ગણાય છે અને કલવા સીટ પર સતત ચાર ટર્મ ચૂંટાઈ આવ્યા હતા. તેમણે આ બેઠક લેવા માટે BJP પર બ્લૅકમેઇલિંગનો આરોપ પણ મૂક્યો હતો.