15 November, 2025 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બિહારમાં મળેલી ભવ્ય જીતને BJPની થાણે ઑફિસમાં કાર્યકરોએ અનોખી રીતે ઊજવી હતી
મહારાષ્ટ્રના ઇલેક્શન કમિશને પહેલા તબક્કામાં ૨૪૬ નગરપરિષદ અને ૪૨ નગરપાલિકાઓની ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. બીજી ડિસેમ્બરે ચૂંટણી થશે અને ત્રીજી ડિસેમ્બરે એનું પરિણામ જાહેર થશે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ નગરપરિષદ, નગરપાલિકા, જિલ્લાપરિષદ, પંચાયત સમિતિ અને છેલ્લે મહાનગરપાલિકા એ ક્રમમાં લેવામાં આવશે એવી ગણતરી હતી, પણ હવે મહાનગરપાલિકાઓની ચૂંટણી એપ્રિલમાં યોજાય એવી શક્યતા રાજકીય નિરીક્ષકો માંડી રહ્યા છે.
નાગપુરમાં ૮ ડિસેમ્બરથી વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે જે ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે. પ્રથા પ્રમાણે ચાલુ સત્રમાં ચૂંટણીઓની જાહેરાત નથી થતી એથી ૧૯ ડિસેમ્બર પછી જ જિલ્લાપરિષદ અને અને પંચાયત સમિતિઓની ચૂંટણી ડિક્લેર થશે. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં એ ચૂંટણી યોજાય અને એનાં પરિણામ પણ જાહેર થાય. એક પાછળ એક ચૂંટણીઓને કારણે સુરક્ષા-વ્યવસ્થા સંભાળતી પોલીસ અને ઇલેક્શનના કામમાં જોડાયેલા કર્મચારીઓ પર કામનું પ્રેશર વધી જાય છે. એમાં પાછું ફેબ્રુઆરી-માર્ચમાં દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ આવતી હોવાથી પોલીસ અને પ્રશાસને એમાં પણ ધ્યાન આપવું પડશે. એટલે સ્કૂલમાં વેકેશન પડે ત્યારે એટલે કે એપ્રિલમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી લઈ શકાય એમ છે. શક્યતા એવી છે કે સ્ટેટ ઇલેક્શન કમિશન એ માટે ઇલેક્શન કમિશન અને સુપ્રીમ કોર્ટમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીઓની તારીખ લંબાવવા અરજી કરે.
બધી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી ૩૧ જાન્યુઆરી પહેલાં આટોપી લેવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. નગરપરિષદ અને નગરપંચાયતોની ચૂંટણી ત્યાં સુધીમાં લઈ શકાશે, પણ મહાનગરપાલિકાની ચૂંટણીઓ એ પહેલાં આટોપી લેવાનું મશ્કેલ બનશે એવું હાલના તબક્કે જણાઈ રહ્યું છે. એટલે એની તારીખ લંબાવવા ઇલેક્શન કમિશન અને સુપ્રીમ કોર્ટમાં રજૂઆત થઈ શકે એવું રાજકીય પંડિતોનું માનવું છે.