19 August, 2026 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (Brihanmumbai Municipal Corporation) એ મુંબઈના તમામ શોપિંગ મૉલની અંદર કાર્યરત વેપારી પ્રતિષ્ઠાનો અને રિટેલ દુકાનો માટે મરાઠી ભાષાના સાઈનબોર્ડ (નામ દર્શાવતા બોર્ડ) ફરજિયાત બનાવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈસન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં મૉલ મેનેજમેન્ટ અને વ્યક્તિગત દુકાનદારોને નામના બોર્ડ દેવનાગરી લિપિમાં અગ્રતાક્રમે પ્રદર્શિત થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. પાલિકા પ્રશાસને ચેતવણી આપી છે કે, આ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જનાર સામે મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (Maharashtra Shops and Establishments Act) હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
પાલિકાએ (BMC) અગાઉ રોડ સાઈડની દુકાનો અને મુખ્ય રસ્તા પર આવેલી વ્યાપારી સંસ્થાઓ માટે મરાઠી સાઈનબોર્ડનો નિયમ (BMC Marathi signboard rule) લાગુ કર્યો હતો, પરંતુ અધિકારીઓએ નોંધ્યું હતું કે બંધ શોપિંગ કોમ્પ્લેક્સ અને મેગા મૉલની અંદર આવેલી અનેક રિટેલ દુકાનોએ આ નિયમનો અમલ કર્યો નહોતો. તાજેતરના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાનૂની જોગવાઈઓ મહાનગરના તમામ મૉલ પરિસરમાં ચાલતા આંતરિક રિટેલ આઉટલેટ્સ, બ્રાન્ડેડ શોરૂમ, ફૂડ કોર્ટ અને કોમર્શિયલ સ્ટોલ્સને સમાન રીતે લાગુ પડે છે.
બીએમસીના લાઈસન્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેવનાગરી લિપિમાં લખાયેલા મરાઠી લખાણના અક્ષરોનું કદ સાઈનબોર્ડ પર પ્રદર્શિત અન્ય કોઈપણ ભાષાના અક્ષરો જેટલું જ અથવા તેનાથી મોટું હોવું જોઈએ, જેથી મુલાકાતીઓ અને ગ્રાહકોને તે સ્પષ્ટપણે દેખાઈ શકે.
આ નિયમનું સખત પાલન સુનિશ્ચિત કરવા માટે, બીએમસીએ તેના વોર્ડ-સ્તરની નિરીક્ષણ ટીમો અને લાઈસન્સ ઈન્સ્પેક્ટરોને મુંબઈના મુખ્ય શોપિંગ મૉલમાં આકસ્મિક તપાસ (સરપ્રાઈઝ વિઝિટ) કરવાની સૂચના આપી છે. નાગરિક સત્તાવાળાઓએ પુનરોચ્ચાર કર્યો હતો કે નિયમોનું પાલન ન કરનાર દુકાનદારો સામે `મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડિશન્સ ઓફ સર્વિસ) રૂલ્સ` હેઠળ કેસ ચલાવવામાં આવશે.
નિયમભંગના કિસ્સામાં દુકાનદારોને કાનૂની નોટિસ ફટકારવામાં આવશે, અને ત્યારબાદ કોર્ટની કાર્યવાહી અથવા વહીવટી દંડ કરવામાં આવશે. પાલિકાના રેકોર્ડ અનુસાર, બીએમસીએ સુપ્રીમ કોર્ટની સમયમર્યાદા બાદ મરાઠી સાઈનબોર્ડ ન મૂકનારી મુંબઈની હજારો શેરી-સ્તરની દુકાનો સામે અગાઉથી જ કાર્યવાહી કરી ચૂકી છે.
મહાનગરપાલિકાએ મૉલ મેનેજમેન્ટ એસોસિએશનોને આ ફરજિયાત કાનૂની નિયમો વિશે તમામ ભાડૂઆત દુકાનદારો અને વ્યવસાયિકોને તાત્કાલિક જાણ કરવા આદેશ આપ્યો છે. લાઈસન્સ વિભાગના ઈન્સ્પેક્ટરોને એ બાબત પર નજર રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે કે મૉલની અંદર સ્થાપિત થઈ રહેલી નવી દુકાનો અંતિમ ટ્રેડ પરમિશન (વેપાર મંજૂરી) મેળવતા પહેલા દેવનાગરી સાઈનબોર્ડના નિયમનું સખતપણે પાલન કરે છે કે નહીં.
આ નિર્દેશ દ્વારા, પાલિકા પ્રશાસનનો હેતુ મુંબઈભરના ખુલ્લા બજારો અને બંધ શોપિંગ સેન્ટરો બંનેમાં ભાષાકીય નિયમોનું એકસમાન પાલન કરાવવાનો છે. અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શોપિંગ સેન્ટરોમાં કામ કરતી હાઈ-એન્ડ બ્રાન્ડ્સ કે આંતરરાષ્ટ્રીય રિટેલ ચેઈન્સને આ નિયમમાંથી કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં.