04 December, 2024 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આગની વધતી જતી ઘટનાઓમાં જાનમાલનું નુકસાન થતું હોવાથી BMCએ સાવચેતીની દૃષ્ટિએ મુંબઈની ૪૦૦૦ કરતાં વધુ હોટેલોને ૩૧ ડિસેમ્બર સુધીમાં તેમની ફાયરફાઇટિંગની સિસ્ટમ જો અપડેટ ન હોય તો એ કરાવી લેવા જણાવ્યું છે. થર્ટીફર્સ્ટ ડિસેમ્બર સુધીમાં BMCના ઑફિસરો હોટેલની અચાનક મુલાકાત લેશે અને જો ફાયરફાઇટિંગ સિસ્ટમ બરાબર નહીં જણાય તો એને નોટિસ ફટકારીને એ તરત લગાવવાનું કહેવામાં આવશે.
મુંબઈની મોટા ભાગની હોટેલોમાં ૩૧ ડિસેમ્બરે જૂના વર્ષને વિદાય આપવા અને નવા વર્ષના સ્વાગત માટે પાર્ટીઓનું આયોજન થતું હોય છે અને એ વખતે મોટી સંખ્યામાં લોકો પાર્ટી કરવા જતા હોય છે ત્યારે લોકોની સલામતી જોખમાય નહીં એ માટે BMCએ આ પગલું લીધું છે.
ફાયર-બ્રિગેડ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી જેમાં ઘણી હોટેલોમાં ફાયરફાઇટિંગનાં સાધનો તો હતાં જ, પણ એ બરોબર મેઇન્ટેઇન નહોતાં કરાયાં. એથી જો આગ લાગે કે કોઈ દુર્ઘટના થાય તો એ કામમાં ન આવે. આ જોખમને ધ્યાનમાં રાખીને BMCએ ફાયરફાઇટિંગનાં ઉપકરણો અપડેટ કરવા હોટેલોને જણાવ્યું છે.
આગની મોટી ઘટનાઓ
સપ્ટેમ્બર ૨૦૨૪માં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના કમર્શિયલ બિલ્ડિંગમાં આવેલી કિમ હોટેલના આઉટડોર AC યુનિટમાં બ્લાસ્ટ થઈને લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
સાંતાક્રુઝ-ઈસ્ટમાં પ્રભાત કૉલોનીમાં આવેલી ગૅલૅક્સી હોટેલમાં ઑગસ્ટ ૨૦૨૩માં લાગેલી આગમાં ૩ વ્યક્તિ દાઝી જવાને કારણે મૃત્યુ પામી હતી. તપાસમાં જણાઈ આવ્યું હતું કે હોટેલની ફાયરફાઇટિંગ સિસ્ટમ ચાલુ નહોતી.
ઘાટકોપર-ઈસ્ટની હોટેલમાં ડિસેમ્બર ૨૦૨૨માં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
ભાંડુપના ડ્રીમ મૉલમાં આવેલી હૉસ્પિટલમાં ૨૦૨૧માં લાગેલી આગ વખતે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના ૯ દરદીઓનાં મોત થયાં હતાં.
કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ૨૦૧૭માં રૂફટૉપ હોટેલમાં લાગેલી આગમાં ૧૫ વ્યક્તિનાં મોત થયાં હતાં જેમાં મહિલાઓની સંખ્યા વધુ હતી.
BMC દ્વારા સમયાંતરે થાય છે ફાયર ઑડિટ
મુંબઈમાં રહેણાક અને કમર્શિયલ એમ કુલ મળીને ૪૦ લાખ પ્રૉપર્ટી છે જેને ફાયર-બ્રિગેડ દ્વારા નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવામાં આવતું હોય છે. એ પછી ફાયર-બ્રિગેડ દ્વારા એનું સમયાંતરે ઑડિટ કરવામાં આવતું હોય છે. જો એ ચકાસણી વખતે ફાયરફાઇટિંગ સિસ્ટમ ચાલુ ન હોય તો નોટિસ ઇશ્યુ કરીને ૪૫થી ૧૨૦ દિવસમાં એ અપડેટ કરી લેવાનો સમય આપવામાં આવતો હોય છે.