23 May, 2025 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલબાર હિલ
મલબાર હિલ પર ૩૦ માર્ચે ખુલ્લા મુકાયેલી એલિવેટેડ નેચર ટ્રેલ પર આવનારા સહેલાણીઓની સંખ્યા વધી રહી છે અને અત્યાર સુધીમાં ૧.૧૦ લાખ કરતાં વધુ સહેલાણીઓ એની મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે સહેલાણીઓના જીવને જોખમ ન રહે એ માટે વૉકવેની આસપાસ આવેલાં જોખમી ઝાડ અને ડાળીઓ કાપવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરશે.
હાલ વેકેશન ચાલુ છે એટલે વધુ ને વધુ સહેલાણીઓ આવી રહ્યા છે, પરંતુ મૉન્સૂનમાં પણ વરસાદની મજા અને જંગલનો અહેસાસ લેવા સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે એવી સંભાવના છે. એલિવેટેડ નેચર ટ્રેલના પરિસરમાં આવેલાં મોટા ભાગનાં ઝાડ ૧૦૦ વર્ષ કરતાં પણ જૂનાં છે એટલે એમનો રેગ્યુલર સર્વે તો થાય જ છે. એમ છતાં જોખમ ન લેવા માગતું BMC એની કાળજી લેવા અને વ્યવસ્થિત ટ્રિમિંગ કરવા નવા કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરવાની છે. આ બાબતની માહિતી આપતાં BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટના ઑફિસરે કહ્યું હતું કે ‘આ બધાં ઝાડનો સર્વે હૉર્ટિકલ્ચર એક્સપર્ટની સામે કરવામાં આવશે અને એ બાબતની ચોકસાઈ રાખવામાં આવશે કે ઝાડનું ટ્રિમિંગ સાયન્ટિફિકલી રીતે કરવામાં આવે. કૉન્ટ્રૅક્ટર જે મરી ગયેલાં અને જોખમી ઝાડ હશે એ કાપીને હટાવશે તથા ડાળીઓનું ટ્રિમિંગ કરવામાં આવશે. જે ઝાડ નમી પડ્યાં હશે એમને જરૂરી પગલાં લઈને બચાવવાની કોશિશ કરવામાં આવશે. એ કામ ચાલુ હશે ત્યારે સુપરવાઇઝર એના પર નજર રાખવા સતત હાજર રહેશે.’