07 April, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન
મુંબઈમાં ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરીને દંડિત કરવા માટે તહેનાત કરવામાં આવેલા ક્લીન-અપ માર્શલ્સ પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ૧૦૫ કર્મચારીની ન્યુસન્સ ડિટેક્ટર (ND) સ્ક્વૉડ નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ સ્ક્વૉડ જાહેર સ્થળોમાં કચરો ફેંકનારા, થૂંકનારા અને ઉપદ્રવ મચાવનારાઓ સામે કાર્યવાહી કરશે. BMCએ પ્રાઇવેટ કંપનીના ક્લીન-અપ માર્શલ તહેનાત કર્યા હતા, જ્યારે ND સ્ક્વૉડમાં BMCના કર્મચારીઓને તહેનાત કરવામાં આવશે. એ માટે ખાલી પડેલી ૮૩ જગ્યામાં સ્ટાફની ભરતી કરવામાં આવશે.
BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ND સ્ક્વૉડમાં છેલ્લાં કેટલાંક વર્ષથી સ્ટાફની ભરતી નથી કરવામાં આવી. નવા સ્ટાફને લેવામાં બે મહિના જેટલો સમય લાગશે. અમે ND સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવનારા સ્ટાફના કામનું મૂલ્યાંકન કરીશું અને બાદમાં તેમને તહેનાત કરવામાં આવશે.’
જાહેરમાં કચરો ફેંકવો, પેશાબ કરવો કે થૂંકવાના દંડમાં ડબલથી ત્રણગણો વધારો કરવાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.