18 January, 2025 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિહિર શાહ
ગયા વર્ષે જૂનમાં મિહિર શાહે વરલીમાં બેફામ કાર દોડાવી સ્કૂટર પર જઈ રહેલા નાખવા દંપતીને અડફેટમાં લીધું હતું. એમાંનાં કાવેરી નાખવાને તે કારની સાથે દૂર સુધી ઢસડી ગયો હતો જેમાં તેમનું મોત થયું હતું. એ કેસમાં કાવેરીના પતિ પ્રદીપ નાખવાએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે કે મિહિર શાહ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. બૉમ્બે હાઈ કોર્ટે આ અરજીની દખલ લઈ પોલીસને આદેશ કર્યો છે કે તેઓ આ બાબતે પોતાનો જવાબ નોંધાવે.
કાવેરીના પતિ પ્રદીપ નાખવાએ અરજીમાં કહ્યું હતું કે ‘મિહિરે અમને અડફેટે લીધા બાદ કાર રોકવી જોઈતી હતી અને મારી ઘાયલ પત્નીને હૉસ્પિટલ લઈ જવી જોઈતી હતી. એને બદલે તેને ખબર હતી કે કારની આગળ મહિલા ફસાઈ છે તો પણ તે બે કિલોમીટર સુધી કાર દોડાવતો રહીને મારી પત્નીને ઢસડતો રહ્યો જેને કારણે તેનું મૃત્યુ થયું. એટલે મિહિર પર ખૂનનો ખટલો ચલાવવામાં આવે. આ સંદર્ભે મેં પહેલાં પોલીસનો સંપર્ક કરીને રજૂઆત કરી હતી, પણ પોલીસે કોઈ પ્રતિસાદ નહોતો આપ્યો એટલે મેં કોર્ટને અરજી કરી છે.’
બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે–ડેરે અને જસ્ટિસ નીલા ગોખલેએ પ્રદીપ નાખવાની અરજી દાખલ કરીને પોલીસને નોટિસ મોકલી છે અને પ્રદીપ નાખવાએ કરેલી માગણી બદલ તેમની શું ભૂમિકા છે એ સ્પષ્ટ કરવાનું કહ્યું છે.