05 February, 2025 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણેના કોંઢવામાં આવેલી ગ્લોબલ મીટર મૅન્યુફૅક્ચરિંગ કંપની દ્વારા રિક્ષા અને ટૅક્સીમાં ગ્લોબલ બ્રૅન્ડનાં ડિજિટલ ઈ-મીટર બેસાડવામાં આવે છે, પણ તેમનાં આ ઈ-મીટરને અપ્રૂવલ જ ન મળ્યું હોવા છતાં એનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાની જાણ થતાં બૉમ્બે હાઈ કોર્ટે હવે એના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમ ખામીયુક્ત અને ગેરકાયદે વેચાતાં આ ઈ-મીટર દેશની લાખો ટૅક્સી અને રિક્ષામાં લાગેલાં હોવાથી એના કારણે કરોડો લોકોની છેતરપિંડી થઈ રહી છે. જો આ બધાં જ ઈ-મીટર પાછાં ખેંચવામાં આવે તો હોબાળો મચી શકે એવી કોર્ટે ચિંતા વ્યક્ત કરીને એના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આ બાબતે રઈસ મહમુદિયા શેખે તેના વકીલ અક્ષય પાટીલ અને અક્ષય કાંબળે દ્વારા બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ અશ્વિન ભોંબેની બેન્ચ સામે થઈ હતી. એ સુનાવણી અંતર્ગત કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને લીગલ મેટ્રોલૉજી ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી મેળવી હતી જેમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.