16 November, 2025 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં અત્યારના અને ભૂતપૂર્વ સંસદસભ્યો તથા વિધાનસભ્યો સામેના લગભગ ૪૭૮ જેટલા પેન્ડિંગ કેસોની બૉમ્બે હાઈ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. આ કેસોમાં કાર્યવાહી ઝડપી બનાવવા માટે બૉમ્બે હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટ માટે કડક સમયમર્યાદા નક્કી કરી છે.
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ એન. જે. જમાદારની બેન્ચ સામે પબ્લિક પ્રોસિક્યુટરે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે રહેલા પેન્ડિંગ કેસો બાબતે એક વિગતવાર ચાર્ટ રજૂ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સંસદસભ્યો અને વિધાનસભ્યો સામે ૪૭૮ કેસ પેન્ડિંગ છે. એમાંથી ૧૩૨ જેટલા કેસોમાં પોલીસ હજી આરોપીઓને હાજર નથી કરી શકી. ૧૬ કેસ પર હાઈ કોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો છે, જ્યારે પાંચ કેસમાં જિલ્લા ન્યાયાધીશો દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો છે.
૩૨ કેસમાં ટ્રાયલ અંતિમ તબક્કામાં છે અને ફક્ત અંતિમ દલીલો બાકી છે. એવા કેસોને ૩૦ દિવસમાં પૂરા કરવાનો નિર્દેશ કોર્ટે આપ્યો હતો. પેન્ડિંગ રહેલા ૪૭ કેસોમાં ચાર્જ ફ્રેમ કરવાના બાકી છે. એને આગળ વધવા માટે હાઈ કોર્ટે ૪ અઠવાડિયાંનો સમય આપ્યો છે. એ જ રીતે આરોપીઓનાં નિવેદનો નોંધવા માટે તથા જેલમાં રહેલા કે જામીન પર છૂટેલા કેદીઓનાં નિવેદનો લેવા સહિતની કામગીરી માટે પણ હાઈ કોર્ટે જુદી-જુદી સમયમર્યાદા નક્કી કરીને ટ્રાયલ કોર્ટને વહેલી તકે કાર્યવાહી પૂરી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જે કેસોમાં સ્ટે મુકાયેલો છે એના પરથી સ્ટે હટાવવા માટેની અરજી કરવામાં આવશે એવું પબ્લિક પ્રોસિક્યુટરે જણાવ્યું હતું.