બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને સીધી ચેતવણી આપી કે જો પૈસા ન હોય તો લાડકી બહિણ જેવી યોજના બંધ કરો

11 April, 2026 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCનું ફર્નિચર વેચી દો, AC વેચી દો, કમિશનરની ગાડી વેચવી પડે તો એ પણ વેચી દો, પરંતુ કર્મચારીનાં નીકળતાં નાણાં તો ચૂકવવાં જ પડશે

ફાઇલ તસવીર

રાજ્યમાં લાડકી બહિણ યોજના ફરી પાછી વિવાદમાં અટવાઈ છે. નિવૃત્ત કર્મચારીઓને પેન્શન અને ગ્રૅચ્યુઇટીની રકમ પૂરી પાડવા માટે ભંડોળ વગર સરકાર આ યોજના પર હજારો કરોડ રૂપિયા ખર્ચી રહી છે એના પર હાઈ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, કોર્ટે રાજ્ય સરકારને સીધી ચેતવણી આપી છે કે જો પૈસા ન હોય તો યોજના બંધ કરો.

આ યોજના વિશે હાઈ કોર્ટમાં સુનાવણી દરમ્યાન ગરમાગરમ દલીલ થઈ હતી. સાતમા પગાર પંચ મુજબ પેન્શન, ગ્રૅચ્યુઇટી અને અન્ય લાભો ન મળતાં મ્યુનિસિપલ શિક્ષણ વિભાગની એક નિવૃત્ત મહિલાએ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી કરતી વખતે જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જસ્ટિસ અભય મંત્રીની બેન્ચે સરકાર અને નગરપાલિકાને આડેહાથ લીધાં હતાં.

એ અરજીની સુનાવણી દરમ્યાન સુધરાઈના વકીલોએ જવાબ ટાળવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે અમને સરકાર તરફથી ભંડોળ મળ્યું નથી. જોકે આના પર કોર્ટે લાડકી બહિણ યોજના પર થયેલા મોટા ખર્ચ તરફ ધ્યાન દોર્યું હતું અને સરકારની પ્રાથમિકતા પર પ્રશ્ન ઊભા કર્યા હતા. કોર્ટે સુધરાઈને ઠપકો આપતાં કહ્યું હતું કે ‘કર્મચારીઓનાં લેણાં ચૂકવવા માટે કોઈ ભંડોળ નથી, પરંતુ યોજનાઓ પર હજારો કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. જો પૈસા ન હોય તો મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ટેબલ-ખુરસી અને ઍર-કન્ડિશનર (AC) વેચી દો. કમિશનરની ગાડી વેચવી પડે તો એ પણ વેચી દો, પણ કર્મચારીઓનાં નીકળતાં નાણાં ચૂકવવાં પડશે.’ 

ladki bahin yojana maharashtra government maharashtra maharashtra news bombay high court mumbai mumbai news