09 May, 2025 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સામૂહિક બળાત્કારના ત્રણ આરોપીઓએ તેમને નીચલી કોર્ટે આપેલી સજાને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારતી અરજી કરી હતી. બૉમ્બે હાઈ કોર્ટે એ સંદર્ભે સ્પષ્ટ વલણ અપનાવીને ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘એક વાર મહિલા ના કહે એટલે ના. એ પછી કોઈ જ શંકા રહેતી નથી અને એવી કોઈ ધારણા પણ બાંધવી નહીં કે એ મહિલા ભૂતકાળમાં એવી ઍક્ટિવિટી સાથે સંકળાયેલી હતી એટલે એની ના છતાં તે સંમત છે એવું માની ન લેવું. મહિલાની મરજી વગર તેની સાથે બંધાતો શારીરિક સંબંધ એ તેના શરીર, મન અને પ્રાઇવસી પર અત્યાચાર છે.’
કોર્ટે આરોપીઓની સજા પડતી મૂકવાની અરજી મંજૂર નહોતી કરી, પણ તેમની સજામાં ઘટાડો કર્યો હતો. નીચલી કોર્ટે તેમને આજીવન કારાવાસની સજા આપી હતી એ હાઈ કોર્ટે ઘટાડીને ૨૦ વર્ષની કેદની સજા મંજૂર રાખી હતી. નવેમ્બર ૨૦૧૪માં ત્રણેય આરોપીઓ પીડિતાના ઘરમાં ઘૂસી ગયા હતા. એ પછી તેના લિવ-ઇન પાર્ટનરની મારઝૂડ કરીને પીડિતાને અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા અને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
ત્રણેય આરોપીઓએ હાઈ કોર્ટમાં કરેલી તેમની અરજીમાં એમ કહ્યું હતું કે મહિલાના પહેલાં અમારામાંથી એક જણ સાથે સંબંધ હતા, એ પછી તે બીજા માણસ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી.
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ નીતિન સૂર્યવંશી અને જસ્ટિસ એમ. ડબ્લ્યુ. ચંદવાણીએ કહ્યું હતું કે ‘સમજો એક મહિલા તેના પતિથી અલગ રહેતી હોય અને હજી ડિવૉર્સ થયા ન હોય. એ પરિસ્થિતિમાં પણ તેનો પતિ મહિલાની સાથે તેની મરજી વગર સંબંધ ન બાંધી શકે. એથી ઉપરોક્ત કેસમાં પણ ભલે પીડિતા એક આરોપી સાથે ભૂતકાળમાં સંબંધ ધરાવતી હતી, પણ જો તેની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધ બાંધવામાં આવે તો એ બળાત્કાર જ ગણાય. એક વાર એક વ્યક્તિ સાથે મહિલા સંબંધ બાંધે એટલે તે દર વખતે તેની સાથે સંબંધ બાંધે જ એ જરૂરી નથી. મહિલાનું ચરિત્ર તે કેટલા પાર્ટનર ધરાવે છે એની સાથે સાંકળી ન શકાય.’