દુર્ભાગ્ય છે કે આઝાદીનાં લગભગ ૮૦ વર્ષ પછી પણ લોકો હજી દીકરાને જ પ્રાધાન્ય આપે છે

19 September, 2026 11:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક મહિનાની પૌત્રીને મારી નાખનારા દાદાની જામીનઅરજી રિજેક્ટ કરીને બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું...

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે એક મહિનાની પૌત્રીની હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલી વ્યક્તિની જામીનઅરજી ફગાવી દીધી છે. પરિવાર બીજી દીકરી ઇચ્છતો ન હોવાથી આ હત્યા કરવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આઝાદીનાં લગભગ ૮૦ વર્ષ પછી પણ લોકો હજી પણ દીકરાને જ પ્રાધાન્ય આપે છે.

હાઈ કોર્ટની નાગપુર બેન્ચના જસ્ટિસ એમ. એમ. નેરલીકરે ૯ સપ્ટેમ્બરે પાસ કરેલા આદેશમાં આરોપી ગોપીનાથ પ્રધાનની જામીનઅરજી નામંજૂર કરી હતી. કોર્ટે ઉમેર્યું હતું કે બાળકીની હત્યા એટલા માટે કરવામાં આવી હતી કે પરિવાર બીજી દીકરી ઇચ્છતો નહોતો.

ગોપીનાથ પ્રધાન વિરુદ્ધ ગડચિરોલી જિલ્લામાં પોલીસે ૨૦૨૩માં હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર કેસ નોંધ્યો હતો. તેમના પર આરોપ હતો કે તેમણે પોતાની એક મહિનાની પૌત્રીને ટબમાં ડુબાડીને મારી નાખી હતી. બાળકીના મૃત્યુ બાદ પરિવારે એવું નાટક રચ્યું હતું કે કદાચ કોઈ પ્રાણી શિશુને ઉપાડી ગયું હશે. જોકે પોસ્ટમૉર્ટમમાં મૃત્યુનું કારણ ડૂબવાને કારણે શ્વાસ રૂંધાયો હોવાનું બહાર આવ્યું હતું. તેણે પોતાની જામીનઅરજીમાં નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો અને ધ્યાન દોર્યું હતું કે મરનાર બાળકીની માતા જે આ કેસમાં આરોપી પણ હતી તેને પહેલેથી જ જામીન મળી ગયા છે.

bombay high court nagpur gadchiroli mumbai mumbai news maharashtra news maharashtra