✕

મસ્જિદ હોવાનું કહીને ગેરમાર્ગે દોર્યા એટલે અદાલત ભડકી, કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારવાની આપી ચેતવણી

26 November, 2026 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાઉદ ઇબ્રાહિમના ભૂતપૂર્વ ઘરના ડિમોલિશન પરનો સ્ટે હાઈ કોર્ટે યથાવત‍્ તો રાખ્યો, પણ...

ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેનો પરિવાર એક સમયે જ્યાં રહેતો હતો એ સાઉથ મુંબઈના જર્જરિત બિલ્ડિંગના ડિમોલિશન પર બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે એનો સ્ટે યથાવત્ રાખ્યો હતો

ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેનો પરિવાર એક સમયે જ્યાં રહેતો હતો એ સાઉથ મુંબઈના જર્જરિત બિલ્ડિંગના ડિમોલિશન પર બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે એનો સ્ટે યથાવત્ રાખ્યો હતો અને એમાં કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચે પાકમોડિયા સ્ટ્રીટ પર આવેલા બે માળના હાજી ઇસ્માઇલ હાજી હબીબ મુસાફિરખાનાના ડિમોલિશન પર ૩૦ નવેમ્બર સુધી સ્ટે લંબાવ્યો હતો.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આ બિલ્ડિંગને જોખમી અને જર્જરિત જાહેર કરીને એને તોડી પાડવાની જરૂર હોવાનું જણાવી ૧૯ નવેમ્બરે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. જોકે વક્ફ સંસ્થા હાજી ઇસ્માઇલ હાજી હબીબ મુસાફિરખાના ટ્રસ્ટના લાભાર્થી હોવાનો દાવો કરનારા શેખ અબ્દુલ રઝાક અને અમીરઅલી વઝીરઅલી પંજવાણીએ એ જ દિવસે ડિમોલિશનની નોટિસ સામે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

કોર્ટે નોંધ્યું હતું કે ગયા અઠવાડિયે જ્યારે આ અરજીનો ઉલ્લેખ કરીને તાત્કાલિક સુનાવણીની માગણી કરવામાં આવી હતી ત્યારે અરજદારોએ કહ્યું હતું કે આ બાંધકામ એક મસ્જિદ છે.
હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જો તમે અમને ગેરમાર્ગે દોરીને યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ મેળવ્યો હશે તો અમે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની નોટિસ ફટકારીશું. તૈયાર રહેજો. કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરો. આજે અમને કહેવામાં આવી રહ્યું છે કે એ મસ્જિદ નથી.’

dawood ibrahim mumbai police bombay high court brihanmumbai municipal corporation south mumbai news mumbai mumbai news