04 July, 2026 01:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દેશના નાગરિકોને સરકારના ગુલામ બનાવી શકાય નહીં અને કોઈ વ્યક્તિ માત્ર સરકાર વિરુદ્ધ આંદોલનો કે વિરોધ-પ્રદર્શનોમાં સામેલ હોય એટલાં જ કારણોસર તેને તડીપાર કરવાનો આદેશ પસાર ન કરી શકાય એવી મહત્ત્વપૂર્ણ ટિપ્પણી બૉમ્બે હાઈ કોર્ટે કરી છે. અદાલતે આ અવલોકન સાથે એક સ્થાનિક રાજકીય નેતાને એક વર્ષ માટે તડીપાર કરવાના આદેશને રદબાતલ જાહેર કર્યો છે.
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે મહારાષ્ટ્રના વર્તમાન રાજકારણ પર કટાક્ષ કરતાં હળવા અંદાજમાં એમ પણ ઉમેર્યું હતું કે રાજ્યના રાજકારણમાં હાલ જે પ્રકારનું ઘોડાબજાર ચાલી રહ્યું છે એ જોતાં અરજદાર પોતાની સામે નોંધાયેલા તમામ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) બંધ કરાવવા માટે પક્ષ બદલવાનો વિચાર પણ કરી શકે છે.
અરજદાર સઈદ ચૌધરીએ તેમની સામે જાહેર થયેલા તડીપારના આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. ભારત સરકાર, ભારતીય જનતા પાર્ટી (BJP) અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા તથા વિરોધ-પ્રદર્શનો યોજવા બદલ તેમની સામે FIR નોંધવામાં આવ્યા હતા એટલે પ્રશાસને તેમને તડીપાર કર્યા હતા.
તડીપારના આ આદેશને ફગાવી દેતાં હાઈ કોર્ટે નોંધ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી અરજદારના મૂળભૂત અધિકારો, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તેમ જ ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકાર પર તરાપ મારે છે. અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે અરજદાર દ્વારા કરાયેલાં આંદોલનો કે વિરોધ-પ્રદર્શનોથી સમાજમાં કોઈ નુકસાન થયું હોય એવું રેકૉર્ડ પર સાબિત થતું નથી એટલે માત્ર વિરોધ-પ્રદર્શનના આધારે મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટની જોગવાઈઓ હેઠળ તડીપારની કાર્યવાહી કાયદેસર ગણી શકાય નહીં.