31 July, 2026 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
તાજતેરમાં જ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (Maharashtra FDA) દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે મંત્રાલયની કેન્ટીનમાં એક પણ જીવાત નથી મળી અને ત્યાં ૯૮ ટકા નિયમોનું પાલન થાય છે. જોકે FDAના આ દાવા પર બોમ્બે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. બોમ્બે હાઇકોર્ટે FDAના આ દાવા પર તેની ઝાટકણી કાઢી હતી. એટલું જ નહીં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ને આજે બપોરે જ મંત્રાલયની કેન્ટીનની ફરીથી તપાસ કરવાનો આદેશ પણ આપ્યો છે.
વાત એમ છે કે હાલમાં જ નવી મુંબઈ સ્થિત `પાર્ક ઇન બાય રેડિસન` હોટેલનું લાઇસન્સ FDA (Maharashtra FDA દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. પોતાનું લાયસન્સ સસ્પેન્ડ થયાના FDAના નિર્ણય સામે હોટેલે હાઈકોર્ટમાં અરજી ફાઇલ કરી હતી. આ અરજી પર કાર્યકારી ચીફ જસ્ટિસ રવિન્દ્ર ઘુગે અને જસ્ટિસ ગૌતમ અંખડની બેન્ચ સામે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પહેલાં હાઈકોર્ટે FDAને મંત્રાલય અને હાઈકોર્ટ સહિતની તમામ સરકારી તથા અર્ધ-સરકારી કેન્ટીનોની તપાસ કરીને વિડિયોગ્રાફી સાથેના રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જોકે, ગુરુવારે કરાયેલી તપાસ બાદ સરકારી વકીલે કોર્ટમાં રિપોર્ટ આપીને એવો દાવો કર્યો હતો કે મંત્રાલયની કેન્ટીનમાં ૯૮ ટકા નિયમોનું પાલન થાય જ છે અને ત્યાં એક પણ કીડો કે જીવજંતુ મળ્યું નથી.
પરંતુ FDAના આ રિપોર્ટ પર જસ્ટિસ રવિન્દ્ર ઘુગેએ આશ્ચર્ય સાથે નારાજગી બતાવી હતી. અને કોર્ટે (Maharashtra FDA સવાલ પણ ઉઠાવ્યો હતો કે, "મોટી મોટી ફાઈવ સ્ટાર હોટેલોમાં સુદ્ધાં ક્યારેક ક્યારેક માખી કે વંદો દેખાઈ જતો હોય છે, તો પછી આ મંત્રાલયની આટલી મોટી કેન્ટીન બધી રીતે સ્વચ્છ હોવી અને ત્યાં એક પણ જીવાત ન હોવી એ વાત ગળે ઊતરે એવી નથી. માત્ર પ્રાઇવેટ સંસ્થાઓને ટાર્ગેટ બનાવવી એ તો ખોટી વાત છે, કાયદાકીય કાર્યવાહી દરેક પર સમાન રીતે થવી જોઈએ."
આ સાથે જ કોર્ટે સરકારી વકીલને એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો કે, "જો અમે અત્યારે જ તપાસ કરાવીએ અને ત્યાં કોઈ જીવાત કે પછી ગંદકી જોવા મળશે તો અમારે કડક પગલાં ભરવા પડશે, શું તમને એ ચાલશે?" આવો પ્રશ્ન કરીને હાઈકોર્ટે આ મામલે તાત્કાલિક કડક વલણ અપનાવતા આદેશ આપ્યો છે. અને જણાવ્યું હતું કે ચાર સ્વતંત્ર વકીલો અને FDAના (Maharashtra FDA અધિકારીઓ આજે બપોરે ૩ વાગ્યા પહેલા મંત્રાલયની કેન્ટીનની તપાસ કરશે. આ સમગ્ર તપાસની વિડિયોગ્રાફી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે તપાસના આદેશ આપતાં જ મંત્રાલયની કેન્ટીનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અધિકારીઓ કે વકીલોની તપાસમાં કોઈ ખામી ન પકડાય તે માટે બરાબરનું સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. તપાસ પછી જ અસલી વિગતો સામે આવશે.