12 December, 2025 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય ઉપાધ્યાય
નાગપુરમાં હાલમાં વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળીને કહ્યું હતું કે હું લાંબા સમયથી બોરીવલી સ્ટેશન પાસે ગેરકાયદે બેસતા ફેરિયાઓ સામે ઝુંબેશ ચલાવી રહ્યો છું એટલે મને ફેરિયાઓથી ખતરો છે. તેમણે તેમની સિક્યૉરિટી વધારવા પત્ર લખીને દેવેન્દ્ર ફડણવીસને રજૂઆત કરી છે. હાલમાં તેમની સિક્યૉરિટી માટે એક પોલીસ-કર્મચારી સતત ચોવીસે કલાક તેમની સાથે હોય છે.
એ પત્રમાં સંજય ઉપાધ્યાયે લખ્યું છે કે ‘ગયા વર્ષે વિધાનસભ્ય બન્યો છું ત્યારથી સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ સ્ટેશનથી ૧૫૦ મીટરનો વિસ્તાર ફેરિયામુક્ત ઝોન હોવો જોઈએ એનું પાલન થાય એ માટે BMCના સહકાર સાથે ઝુંબેશ ચલાવી રહ્યો છું. આ પહેલાં બે વખત મારો જીવ લેવાનો પ્લાન ફેરિયાઓ કરી ચૂક્યા છે. ૨૮ નવેમ્બરે મને એક પત્રકારે લેખિતમાં જાણ કરી હતી કે હું સ્ટેશન પાસેના વિસ્તારમાંથી ફેરિયાઓને હટાવી રહ્યો હોવાથી ૮ જેટલા લોકો મને અને મારા સહકારી સુશીલ સિંહને મારી નાખવાનો પ્લાન કરી રહ્યા છે. આ બાબતે અવારનવાર પોલીસ-કમિશનરને જાણ કરવા છતાં તેમના તરફથી સિક્યૉરિટીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. એથી સિક્યૉરિટી વધારવામાં આવે અને આ બાબતે કડક પગલાં લેવામાં આવે.’