03 July, 2025 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પેન્ગ્વિન
ભાયખલાના રાણીબાગમાં પેન્ગ્વિનને રાખવાનો ખર્ચ પાંચ વર્ષમાં ૨૫.૮૩ કરોડ રૂપિયાએ પહોંચી ગયો છે. એટલે કે વર્ષે પાંચ કરોડથી પણ વધુનો ખર્ચ માગી લેતાં પેન્ગ્વિન ઝૂનાં સૌથી મોંઘેરાં મહેમાન બની ગયાં છે. પાંચ વર્ષ માટે આખા ઝૂની દેખરેખનો ખર્ચ ૧૦૫.૫૯ કરોડ થયો હતો જેના ચોથા ભાગનું ફન્ડ માત્ર પેન્ગ્વિનની સારસંભાળ માટે જ વપરાય છે.
ભાયખલા ઝૂની સારસંભાળ માટે છેલ્લાં પાંચ વર્ષમાં થયેલા ખર્ચ બાબતે ઍક્ટિવિસ્ટ ગૉડફ્રે પિમેન્ટાએ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ અરજી કરી હતી. એમાં આખા ઝૂ પાછળ પાંચ વર્ષમાં ૧૦૫.૫૯ કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું જાણવા મળ્યું હતું. એમાંથી ૩૧.૨૦ કરોડ રૂપિયા ગાર્ડનના મેઇન્ટેનન્સ માટે, ૨૭.૧૧ કરોડ રૂપિયા હાઉસકીપિંગ પાછળ અને ૨૧.૪૮ કરોડ રૂપિયા મેઇન્ટેનન્સ કૉન્ટ્રૅક્ટ માટે એટલે કે ઇલેક્ટ્રિક વર્ક્સ અને લાઇફ સપોર્ટ સિસ્ટમના કામ માટે ખર્ચાયા છે.
એપ્રિલ મહિનામાં જ પેન્ગ્વિનનાં ૩ બચ્ચાં જન્મ્યાં છે. એ સાથે જ ઝૂમાં પેન્ગ્વિનની સંખ્યા ૨૧ થઈ છે. તેથી ઍનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં એમને મોકલવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે, પરંતુ હાઈ મેઇન્ટેનન્સ માગી લેતાં પેન્ગ્વિન માટે કોઈ ખરીદદાર મળ્યું નથી.