ફૉરેન તો જવું હતું, પણ બોગસ ડૉક્યુમેન્ટ્સ બનાવતાં ન આવડ્યું

05 August, 2023 12:49 PM IST  |  Mumbai | Mehul Jethva

કૅનેડા જવા માગતો યુવક એટલા માટે પકડાયો, કારણ કે તે ગાંધીનગરમાં રહેતો હતો અને તેના એસએસસી અને એચએસસી કર્યું હોવાના ડૉક્યુમેન્ટ્સ મહારાષ્ટ્રના હતા : છેલ્લા બે મહિનામાં આવી રીતે વિદેશ જવા માગતા ગુજરાતનાં સાત યુવક અને યુવતી પકડાયાં

પ્લેન

મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગે છેલ્લા બે મહિનામાં બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે ફૉરેન જવા માગતા ગુજરાતના સાત લોકો સામે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એમાં વધુ એક યુવક મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસી કર્યું હોવાના ડૉક્યુમેન્ટ્સના આધારે કૅનેડા જવા માગતો હતો. તેના ડૉક્યુમેન્ટ્સ પર શંકા જતાં તેની સામે પણ સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અંધેરીના મરોલમાં રહેતા અને મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગમાં કાર્યરત મયૂર શાળે ડ્યુટી પર હતા ત્યારે ગાંધીનગરનો ૨૨ વર્ષનો મિકિન પંકજ પટેલ સ્ટુડન્ટ વિઝા પર દુબઈથી કૅનેડા જવા માગતો હોવાના ડૉક્યુમેન્ટ્સ તેમને મળ્યા હતા. એમાં અભ્યાસ માટે આપેલા ડૉક્યુમેન્ટ્સમાં મિકિને મહારાષ્ટ્ર બોર્ડથી એસએસસી અને એચએસસી કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. એના પરથી શંકા જતાં એની વધુ તપાસ સિનિયર અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મિકિને કબૂલ કર્યું હતું કે તેનું એસએસસી અને એચએસસી ગુજરાતથી થયું હતું. એના પર સ્ડુડન્ટ વિઝા ન મળતાં તેણે અમદાવાના ભરત શાહ નામના એજન્ટને ૧૦ લાખ રૂપિયા આપીને પોતાના તમામ બોગસ ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરાવ્યા હતા. અંતે તેની સામે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સહાર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા બે મહિનામાં અમે માત્ર ગુજરાતના સાત લોકો સામે બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે ફૉરેન જવાનો કેસ નોંધ્યો છે. આમાંના મોટા ભાગના સ્ટુડન્ટ્સ છે. આવો કેસ એક વાર સ્ટુડન્ટ પર થઈ જાય તો તેને તેના રાજ્યમાં પણ સારી નોકરી મળતી નથી એટલે આવા બોગસ ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરાવી આપતા એજન્ટોથી દૂર રહીને પોતાની એબિલિટી પ્રમાણે વિઝા મેળવવા જોઈએ.’

mumbai news mumbai canada gandhinagar gujarat news gujarat mehul jethva