મોતનો કૂવો: કૂવામાં કાર પડી ગઈ, એક જ કુટુંબના ૯નાં મોત

05 April, 2026 07:57 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

જીવ ગુમાવનારા લોકોમાં ૭થી ૧૪ વર્ષનાં ૬ બાળકો: કૂવાના માલિક સામે ગુનો નોંધાયો, પણ તેનો દાવો છે કે કૂવામાંથી લોકો પાણી ભરે છે;

કૂવામાં પડેલી કારને બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી. દુર્ઘટના પછી કૂવાને પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

નાશિક નજીકના દિંડોરીમાં રાતના ૧૦ વાગ્યે રસ્તાની વચ્ચોવચ આવેલા પાણી ભરેલા ખુલ્લા કૂવામાં કાર પડી ગઈ, એક જ કુટુંબના ૯નાં મોત; જીવ ગુમાવનારા લોકોમાં ૭થી ૧૪ વર્ષનાં ૬ બાળકો ઃ  કૂવાના માલિક સામે ગુનો નોંધાયો, પણ તેનો દાવો છે કે કૂવામાંથી લોકો પાણી ભરે છે; જાળી બેસાડી હતી અને ઍન્ગલ લગાડ્યાં હતાં, કોઈ એ ચોરી ગયું

નાશિક નજીકના દિંડોરીમાં એક કોચિંગ ક્લાસના સ્નેહ-સંમેલન અને વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરી રહેલા ઇંદોરે ગામના દરગોડે પરિવારની કારનો શુક્રવારે રાતે ૧૦ વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત થયો હતો. દિંડોરીના શિવાજીનગરમાં રસ્તાની પાસે આવેલા ખુલ્લા કૂવામાં કાર પડી ગઈ હતી અને એમાં સવાર ૯ જણનાં મોત થયાં હતાં. એમાં ૭થી ૧૪ વર્ષના ૬ વિદ્યાર્થીઓ અને અન્ય ૩ તેમનાં માતા-પિતા હતાં.  

દિંડોરીના શિવાજીનગરમાં રાજે બૅન્ક્વેટ હૉલ આણી મંગલ કાર્યાલયમાં પ્રાઇવેટ કોચિંગ ક્લાસ ચલાવતા સચિન વડજેએ શુક્રવારે સાંજે સ્નેહ-સંમેલન અને ક્લાસમાં સારા માર્ક‌્સ લાવનાર વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. એ કાર્યક્રમમાં હાજરી આપવા નજીકના ઇંદોરે ગામમાંથી દરગોડે પરિવારના સભ્યો કારમાં આવ્યા હતા. એમાં સુનીલ દરગોડે, તેની પત્ની, દીકરી, તેનાં ભાભી, મોટા ભાઈનાં ચાર બાળકો અને અન્ય એક ભત્રીજી પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે તેમની કાર શિવાજીનગરમાં જ આવેલા પાણી ભરેલા એક ખુલ્લા કૂવામાં પડીને ડૂબી ગઈ હતી.

કાર નદીમાં પડવાનો અવાજ સાંભળીને આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કાર થોડીક મિનિટો સુધી પાણીમાં ઉપર દેખાતી હતી, પણ લોકો તેમને બચાવવાનો પ્રયાસ કરે એ પહેલાં જ એ પાણીની અંદર ડૂબી ગઈ હતી. તરત જ પોલીસ અને ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કારને કૂવામાંથી બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેન દ્વારા બે કલાક બાદ મધરાતે ૧૨ વાગ્યાની આસપાસ કાર બહાર કાઢવામાં આવી હતી. કારમાંથી ૯ મૃતદેહ બહાર નીકળતાં આખા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. 

અકસ્માતના આ બનાવ પછી કૂવાના માલિક ઍડ્વોકેટ રાજુ રાજે સામે કૂવો ખુલ્લો રાખવા બદલ સદોષ મનુષ્યવધ પરંતુ હત્યાનો ઇરાદો નહી અંતર્ગત કેસ નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે તેણે કહ્યું હતું કે લોકો એ કૂવામાંથી પાણી ભરે છે ને તેમણે સાવચેતી માટે કૂવા પર જાળી પણ બેસાડી હતી અને ઍન્ગલ પણ લગાડ્યાં હતાં, પણ કોઈ એ ચોરી ગયું હતું.  

અકસ્માતમાં જીવ ગુમાવનાર દરગોડે પરિવારના સભ્યો. 

આ અકસ્માત બહુ દુખદ ઘટના છે: દેવેન્દ્ર ફડણવીસ

આ બહુ કમનસીબ ઘટના હતી. તેઓ પાછાં ફરી રહ્યાં હતાં અને એ વખતે કારમાં નાનાં બાળકો અને તેમની મમ્મીઓ પણ એ ગાડીમાં હતી. એ ગાડી કૂવામાં પડી ગઈ. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ પ્રધાન ગિરીશ મહાજને મને ઘટનાસ્થળેથી જ ફોન પર માહિતી આપી હતી અને મારી સાથે ચર્ચા કરી હતી અને ત્યાં શું પરિસ્થિતિ છે એ પણ જણાવ્યું હતું. ખરું જોતાં આટલાં નાનાં બાળકોનું આ રીતે નિધન થવું એના કરતાં વધુ આક્રોશ અને દુઃખ બીજું કોઈ હોઈ જ ન શકે. આ જે કૂવો હતો એને બહુ નાનો કઠેડો હતો. વળી એ કૂવો વચ્ચે જ હતો એથી આ ઘટના બની હોવાનું પ્રાથમિક સ્તરે જણાયું છે. સૌથી પહેલાં તો આ આખા કુટુંબ પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. આપણે એ પરિવારને આર્થિક મદદ પણ જાહેર કરી છે. સાથે જ સૂચનાઓ પણ આપી છે કે રસ્તાની વચ્ચે જો આવા કૂવા હોય અને ત્યાં લોકોની અવરજવર હોય તો તરત જ એનું ઑડિટ કરીને ત્યાં જે જરૂરી જણાય એ ઉપાય કરવા. આ કેસમાં એવું જાણવા મળ્યું છે કે કૂવા પાસે જે દીવાલ હતી એ નાની હતી. એ દીવાલ જો મોટી હોત તો કદાચ એ લોકો બચી શક્યાં હોત. એ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 

મને તો આશ્ચર્ય થાય છે કે ૧૦૦ ફુટનો આટલો પહોળો રસ્તો છે એમાં વચ્ચોવચ આ કૂવો કેવી રીતે રહી ગયો?: ગિરીશ મહાજન, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ મિનિસ્ટર

અહીં બહુ ગંભીર દુઃખદ ઘટના બની છે. રાતના કાર્યક્રમ પતાવીને બાળકો તેમના વાલીઓ સાથે પાછાં ફરી રહ્યાં હતાં. ગાડીમાં ૮થી ૧૪ વર્ષનાં ૬ બાળકો હતાં અને તેમના વાલી હતા. અહીં મોટો કૉન્ક્રીટનો પહોળો રસ્તો બનેલો છે, પણ રોડની વચ્ચોવચ કૂવો છે. વળી એ બહુ પહોળો છે. રાતના એ દેખાય એવો પણ નથી. જમીનના લેવલ પર જ આ કૂવો છે. પાછા ફરતી વખતે આ અકસ્માત થયો. નવા માણસને તો એ કૂવો ધ્યાનમાં પણ ન આવે. ગાડી કૂવામાં પટકાઈ. વળી કૂવામાં બહુબધું પાણી છે. ગાડી પાણીમાં પૂરેપૂરી ડૂબી ગઈ હતી. ગાડીમાં પ્રવાસ કરી રહેલાં બાળકો અને મોટા બધાનાં મોત થયાં છે. બહુ દુઃખદ ઘટના બની છે.  મને તો આશ્ચર્ય થાય છે કે ૧૦૦ ફુટનો આટલો પહોળો રસ્તો છે એમાં વચ્ચોવચ આ કૂવો કેવી રીતે રહી ગયો? વળી એ ગ્રાઉન્ડ લેવલથી ૬ ઇંચ જ ઉપર છે. મને લાગે છે કે આ બહુ મોટી ભૂલ છે. જે ઑફિસરો છે તેમણે પણ આ કૂવો પૂરી નાખવાનું કામ નથી કર્યું. આ બાબતે તપાસનો આદેશ આપ્યો છે. મરનારાના પરિવારોને પાંચ-પાંચ લાખ રૂપિયાની રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે.  

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra nashik devendra fadnavis road accident