ઉત્તર પ્રદેશથી મીરા રોડની આસપાસ ચોરી કરવા આવતા આરોપીઓ પકડાયા

17 July, 2025 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વખતે દિલ્હીથી સારવાર માટે મીરા રોડ આવેલી સિનિયર સિટિઝન મહિલાની ચેઇન ઝૂંટવીને નાસ્યા હતા

ક્રાઇમ બ્રાન્ચ-વનની ટીમે ઝડપી લીધેલા બે આરોપીઓ.

મીરા રોડ-ઈસ્ટની ભક્તિ વેદાંત હૉસ્પિટલ નજીકથી મંગળવારે બપોરે ૭૨ વર્ષનાં રમા પોદ્દારની ચેઇન ઝૂંટવીને નાસી ગયેલા ૪૧ વર્ષના શહઝાદ હૈદરી અને ૨૧ વર્ષના અબુ હુસેનની મીરા-ભાઈંદર વસઈ-વિરાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-વનની ટીમે ધરપકડ કરી છે. દિલ્હીમાં રહેતાં રમા પોદ્દાર સારવાર માટે મીરા રોડ આવ્યાં હતાં. તેઓ હૉસ્પિટલની બહાર ઊભાં હતાં ત્યારે આરોપીઓ તેમની ચેઇન ઝૂંટવીને નાસી ગયા હતા. ધરપકડ કરવામાં આવેલા બન્ને આરોપીઓ ઉત્તર પ્રદેશથી ચોરી કરવા મુંબઈ આવતા હોવાનો ખુલાસો તેમની પૂછપરછમાં થયો છે એટલું જ નહીં, આરોપીઓ સામે ચેઇન-સ્નૅચિંગના ૧૯ કેસ નોંધાયેલા છે.

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-એકના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રમોદ બડાખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિલ્હીથી સારવાર માટે આવેલી મહિલાની પાંચ તોલાની ચેઇન મીરા રોડમાં ઝૂંટવાઈ હોવાની માહિતી મળતાં અમારી ટીમે ઘટનાસ્થળના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં જેમાં આરોપીએ હેલ્મેટ પહેરી હતી, પણ તેની હાઇટ-બૉડી પરથી એ રેકૉર્ડ પરનો શહઝાદ હૈદરી હોવાની અમને શંકા ગઈ એટલે તાત્કાલિક અમે તેની શોધખોળ હાથ ધરી હતી. એ દરમ્યાન તે પાછો ઉત્તર પ્રદેશ જવાનો હોવાની માહિતી મળતાં અમે તેની રેલવે-સ્ટેશન નજીકથી ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ ચોરીમાં તેની સાથે અબુ હુસેન પણ હતો. જોકે પછીથી અમે તેની પણ ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓ સામે મીરા રોડ, કાશીમીરા, નવઘર, નયાનગર પોલીસ-સ્ટેશનમાં ચેઇન-સ્નૅચિંગના ૧૯ કેસ નોંધાયેલા હોવાની માહિતી અમને મળી છે એટલું જ નહીં, મુખ્ય આરોપી શહઝાદ હૈદરી ચોરીના ગુનામાં ત્રણ વર્ષ જેલમાં પણ રહી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.’

mira road crime news news mumbai crime news mumbai police mumbai crime branch crime branch uttar pradesh mumbai mumbai news