02 June, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ચેમ્બુરના વાશી નાકા વિસ્તારમાં શુક્રવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. પતિએ કરેલી સેક્સની માગણી પત્નીએ ન સંતોષતાં તેણે પત્નીને સળગાવી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી પત્ની સાયન હૉસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.
RCF પોલીસના જણાવ્યા અનુસાર આ કેસની ૩૮ વર્ષની પીડિતા લોકોને ત્યાં ઘરકામ કરવા જાય છે. શુક્રવારે સવારે તે કામ પર જવા તૈયાર થઈ રહી હતી. એ વખતે તેના પતિએ તેની પાસે સમાગમની માગણી કરી હતી. એ વખતે પીડિતાને કામ પર જવાનું મોડું થતું હતું એટલે તેણે ના પાડી દીધી હતી. તેણે ના પાડતાં પતિ વીફર્યો હતો અને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.
પતિએ ગુસ્સામાં આવી પત્નીના કૅરૅક્ટર પર શંકા કરીને તેના પર એલફેલ આરોપ મૂક્યા હતા. એથી ઉશ્કેરાયેલી પત્નીએ બળી મરવા પોતાના પર કેરોસીન છાટ્યું હતું અને દીવાસળી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનાથી ઉશ્કેરાટમાં દીવાસળી ન સળગતાં પતિએ કિચનમાંનો ગૅસ ચાલુ કરીને એનાથી એક કાગળ સળગાવ્યો હતો અને પત્ની પર એ સળગતો કાગળ ફેંક્યો હતો. એથી તરત જ આગ લાગી ગઈ હતી અને પીડિતા ભડભડ સળગવા માંડી હતી. તેને છાતી, પેટ, પગ અને હાથમાં આગની જ્વાળા લાગતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી.
પીડિતાને સાયન હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેણે ભાનમાં આવ્યા બાદ પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું હતું અને એમાં કહ્યું હતું કે તેના પતિએ તેને જાણીજોઈને સળગાવી દીધી હતી. તેણે આપેલા સ્ટેટમેન્ટના આધારે RCF પોલીસે પતિ સામે ગુનો નોંધ્યો હતો.