11 February, 2025 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચેમ્બુર પોલીસ-સ્ટેશનને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતાં સુરક્ષા-એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. ગઈ કાલે બપોરે ૪ વાગ્યે બાંદરા ગવર્નમેન્ટ રેલવે પોલીસ(GRP)ને ધમકીભર્યો ફોન આવ્યો એ પછી બૉમ્બ-સ્ક્વૉડ સાથે સુરક્ષા-એજન્સીઓ તપાસમાં જોડાઈ ગઈ હતી. આ મામલે બાંદરા રેલવે પોલીસે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસના અંતે મજાક કરવા માટે આ ફોન કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે એમ જણાવતાં બાંદરા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર નંદકુમાર ખડકીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે બપોરે ૪ વાગ્યે પોલીસ-સ્ટેશનને લૅન્ડલાઇન પર એક અજાણ્યા યુવકે ફોન કરીને પોલીસ-સ્ટેશનને બૉમ્બથી ઉડાડી દેવામાં આવશે એવી ધમકી આપી હતી. આગળ વાત કર્યા વગર યુવકે ફોન કટ કરી દીધો હતો. એ ઘટનાને ગંભીરતાથી લેતાં અમે તાત્કાલિક ચેમ્બુર પોલીસને અને બૉમ્બ-સ્ક્વૉડને ઘટનાની જાણ કરી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સાથે ફોન કરી ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.’
ધમકીની માહિતી મળ્યા બાદ પોલીસ-સ્ટેશન વિસ્તાર તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો અને બૉમ્બ સ્ક્વૉડે તપાસ શરૂ કરી હતી અને સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યાં હતાં એવું ચેમ્બુર પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું.