24 May, 2025 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છગન ભુજબળની ફાઇલ તસવીર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા છગન ભુજબળનો પ્રધાનમંડળમાં સમાવેશ કર્યાના ચાર દિવસ બાદ હવે તેમને ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલાં પણ તેઓ આ ખાતાના પ્રધાન રહી ચૂક્યા છે.
આ ખાતાના પ્રધાન ધનંજય મુંડેએ માર્ચ ૨૦૨૫માં રાજીનામું આપ્યા બાદ કોઈ પ્રધાનને એ ખાતું ફાળવવામાં આવ્યું નહોતું. મહાયુતિની સરકારમાં પહેલાં જ્યારે ખાતાંની ફાળવણી કરવામાં આવી ત્યારે છગન ભુજબળને કોઈ પણ ખાતાના પ્રધાન બનાવાયા નહોતા. એ પછી ૨૦ મેએ તેમનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પણ ખાતાની ફાળવણી કરવામાં આવી નહોતી. આખરે પ્રધાનમંડળમાં લીધાના ચાર દિવસ બાદ ગઈ કાલે તેમને ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય ખાતાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. છગન ભુજબળ આ પહેલાં ૨૦૧૯થી ૨૦૨૨ દરમ્યાન મહા વિકાસ આઘાડીની ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની સરકારમાં પણ ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય ખાતાના પ્રધાન હતા અને એ પછી મહાયુતિની મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સરકારમાં પણ ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય ખાતાના પ્રધાન હતા.