17 August, 2026 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છેડા ફૂડ્સમાં પહેલાંની ગંદકી અને હાલની સ્વચ્છતા.
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ પાલઘરસ્થિત છેડા સ્પેશ્યલિટીઝ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડનું મૅન્યુફૅક્ચરિંગ લાઇસન્સ રીસ્ટોર કરી દીધું છે. ૬ ઑગસ્ટે પાલઘરના મનોર વિસ્તારમાં આવેલી છેડા ફૂડ્સની જૂની ફૅક્ટરીમાં FSSAIની ટીમે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, જ્યાં ગંભીર બેદરકારી સામે આવતાં તેમનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ છેડા ફૂડ્સે FSSAIના નિર્દેશ મુજબના તમામ સુધારા કરવા માટે વધારાનું માનવબળ રોકીને કામગીરી પૂરી કરી હતી. કંપની દ્વારા જરૂરી તમામ સત્તાવાર પુરાવા રજૂ કરવામાં આવતાં લાઇસન્સ રીસ્ટોર કરવામાં આવ્યું છે.
FSSAIની વેસ્ટ ઝોન ટીમે ૬ ઑગસ્ટે સાંજે કરેલી સરપ્રાઇઝ તપાસ દરમ્યાન હાઇજીનને લગતી અનેક ક્ષતિઓ જણાઈ આવતાં ફૅક્ટરીનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને કંપનીને ૨૦ પ્રકારના કડક અને વ્યાપક સુધારા કરવાનો આદેશ આપ્યો હતો.
છેડા સ્પેશ્યલિટીઝ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના મૅનેજમેન્ટે સત્તાવાર સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે ‘સસ્પેન્શનનો આદેશ માત્ર એક જ ફૅક્ટરી પૂરતો સીમિત હતો, જ્યારે અમારી અન્ય ૩ ફૅક્ટરીઓ રાબેતા મુજબ કાર્યરત હતી. FSSAIની સૂચના મળતાં જ અમે તાત્કાલિક ૧૫૦થી વધુ કામદારોની ટીમ રોકીને તમામ સિવિલ અને રિપેરિંગનાં કામ માત્ર ૪૮ કલાકમાં પૂરાં કરી દીધાં હતાં, જેને FSSAI વિભાગે પણ બિરદાવ્યાં છે.’