કેટલાક લોકો રાજકીય કારણોસર અચાનક પર્યાવરણવાદી બની ગયા છે

04 December, 2025 07:21 AM IST  |  Nashik | Gujarati Mid-day Correspondent

કુંભમેળા માટે વૃક્ષો કાપવાના વિવાદ વચ્ચે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટિપ્પણી

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

કુંભમેળા માટે વૃક્ષો કાપવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટિપ્પણી કરી હતી કે કેટલાક લોકો નાશિક કુંભમેળા માટે અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો રાજકીય કારણોસર અચાનક પર્યાવરણવાદી બની ગયા છે; પણ સરકાર બને એટલા ઓછાં વૃક્ષો કાપીને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય એની ખાતરી રાખશે.
૨૦૨૬ના ઑક્ટોબરમાં શરૂ થનારા કુંભમેળા પહેલાં તપોવન વિસ્તારમાં સાધુગ્રામ ઊભું કરવા માટે ૧૭૦૦થી વધુ વૃક્ષો કાપવાની યોજના સામે નાગરિકોએ પણ વિરોધ નોંધાવ્યો છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘૨૦૧૬ની ગૂગલ મૅપ્સની તસવીરોમાં વૃક્ષો દેખાતાં નથી, કારણ કે રાજ્ય સરકારે ૫૦ કરોડ વૃક્ષો વાવવાનો કાર્યક્રમ શરૂ કર્યા પછી જ નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશને એમને વાવ્યાં હતાં. એ ખાલી જમીન હતી જેનો ઉપયોગ આપણે ૧૨ વર્ષમાં ફક્ત એક જ વાર કરીએ છીએ. એમ છતાં વૃક્ષોને ઓછી અસર થાય એવો પ્રયત્ન કરવામાં આવશે.’

મહારાષ્ટ્રનું રાજભવન પણ બનશે લોકભવન: મહારાષ્ટ્રના રાજ્યપાલના સત્તાવાર નિવાસસ્થાનના ગેટ પરથી ગઈ કાલે ‘રાજભવન’ની તકતી દૂર કરવામાં આવી હતી. આજે હવે ‘લોકભવન’ની તકતી લગાડવામાં આવશે. કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા દેશભરનાં રાજભવન અને રાજનિવાસને લોકભવન અને લોકનિવાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

mumbai news mumbai nashik kumbh mela maharashtra government maharashtra news maharashtra culture news environment devendra fadnavis