પબ્લિકના પૈસા નકામા ખર્ચ કરવાનું બંધ કરો

04 August, 2026 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧.૫ કરોડ રૂપિયાની નવી ઇનોવા કાર ખરીદવાના BMCના પ્રસ્તાવ બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભવાં ઊંચક્યાં

દેવેન્દ્ર ફડણવીસ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ૬ વરિષ્ઠ અધિકારીઓને સત્તાવાર રીતે આપવામાં આવેલી કારને બદલીને ૧.૫ કરોડ રૂપિયાની નવી ઇનોવા કાર લેવાના પ્રસ્તાવને પગલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરી છે. એને પગલે BMC આ પ્રસ્તાવ પાછો ખેંચી લે એવી શક્યતા છે. 

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રસ્તાવ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘લોકોના પૈસા ફક્ત વિકાસકાર્યો પાછળ ખર્ચ કરવામાં આવવા જોઈએ. ખોટી વસ્તુઓ પાછળ ખર્ચ કરવાનું બંધ કરવું જોઈએ અને લોકોની જરૂરિયાતો પ્રત્યે વધુ ધ્યાન આપવું જોઈએ.’ 

ઉલ્લેખનીય છે કે જૂની સ્કૉર્પિયો કાર બદલીને ડેપ્યુટી મેયર ઉપરાંત અન્ય પાંચ અધિકારીઓ માટે નવી ટૉયોટા ઇનોવા ક્રિસ્ટા લેવાનો પ્રસ્તાવ ૩૦ જુલાઈએ સ્થાયી સમિતિની બેઠક દરમ્યાન રજૂ કરવામાં આવ્યો હતો. કૉન્ગ્રેસના જૂથનેતા અશરફ આઝમીએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. BMC નાણાકીય અછતનો સામનો કરી રહ્યું છે ત્યારે આ પ્રકારનો ખર્ચ વ્યર્થ હોવાનું અશરફ આઝમીએ જણાવ્યું હતું. 

ઍર ઇન્ડિયા બિલ્ડિંગનું રીડિઝાઇનિંગ સિટિઝન ફ્રેન્ડ્લી બનાવવાનો મુખ્ય પ્રધાનનો આદેશ

મહારાષ્ટ્ર સરકારનાં વિવિધ ડિપાર્ટમેન્ટ્સને સમાવવા માટે અગાઉના અૅર ઇન્ડિયા બિલ્ડિંગના પ્રસ્તાવિત નવીનીકરણ વિશે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ સૂચના આપી છે કે આ બિલ્ડિંગની રીડિઝાઇનમાં સિટિઝન-ફ્રેન્ડ્લી વ્યવસ્થાને પ્રાથમિકતા આપવી. સરકારી કામગીરી સામાન્ય જનતા માટે વધુ ઝડપી, કાર્યક્ષમ અને સરળ બને અે પ્રકારનું આયોજન કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.
મુખ્ય પ્રધાને પોતાના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે યોજેલી રિવ્યુ મીટિંગ દરમ્યાન જણાવ્યું હતું કે ‘સરકારી પ્રશાસનની કામગીરીમાં સુધારો થાય અને લોકોને મહત્તમ સુવિધા મળે અે રીતે કયા વિભાગોને આ બિલ્ડિંગમાં શિફ્ટ કરી શકાય અે અગાઉથી નિશ્ચિત કરવું જરૂરી છે.’ 
આ પ્રોજેક્ટ માટે આર્કિટેક્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવિત પ્લાનનું પ્રેઝન્ટેશન પણ રિવ્યુ મીટિંગમાં રજૂ કરવામાં આવ્યું હતું. 

mumbai news mumbai devendra fadnavis maharashtra government maharashtra news maharashtra brihanmumbai municipal corporation