26 October, 2026 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ડિયા જ્વેલરી પાર્કના કામનું ઉદ્ઘાટન કરી રહેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે, ગણેશ નાઈક અને જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચૅરમૅન કિરીટ ભણસાલી અને અન્યો.
નવી મુંબઈના મહાપેમાં જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા દેશના પહેલા ઇન્ટિગ્રેટેડ જેમ ઍન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રિયલ પાર્કનું નિર્માણ કરાઈ રહ્યું છે જેના કામનું ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ઘાટન કર્યું હતું. મહાપેના ટ્રાન્સ થાણે ક્રીક (TTC) ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલો આ ઇન્ડિયા જ્વેલરી પાર્ક ૨૧.૩ એકરમાં ફેલાયેલો હશે અને ૬૫૦ લાખ સ્ક્વેરફુટનું કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. અહીં વર્લ્ડ ક્લાસ સેફ્ટી અને સિક્યૉરિટી સિસ્ટમ સાથે મૅન્યુફૅક્ચરર, કારીગરો, કસ્ટમ્સ ફૅસિલિટી, બૅન્કો, રિફાઇનરી, ઑફિસ બિલ્ડિંગ, ફૂડ-કોર્ટ અને અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ઇન્ડિયા જ્વેલરી પાર્કના કામના ઉદ્ઘાટનના આ પ્રસંગે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે, ફૉરેસ્ટ મિનિસ્ટર ગણેશ નાઈક, નવી મુંબઈનાં વિધાનસભ્ય મંદા મ્હાત્રે, જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પદાધિકારીઓ અને જેમ ઍન્ડ જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.