CJP આજથી શરૂ કરશે સ્કૂલ ઠીક કરો ઝુંબેશ

15 August, 2026 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રામીણ સરકારી સ્કૂલોમાં મૂળભૂત સુવિધાઓ અને જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની પહેલ

ફાઇલ તસવીર

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) સ્વતંત્રતાદિવસે હિંગોલી જિલ્લાના એના સ્થાપક અભિજિત દીપકેના ગામથી ‘સ્કૂલ ઠીક કરો’ ઝુંબેશ શરૂ કરશે. શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે આ ઝુંબેશ સવારે ૭.૩૦ વાગ્યે સંતુક પિંપરી ગામથી શરૂ થશે. દિલ્હીથી પાછા ફર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘હું મારા ગામમાં ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન શરૂ કરીશ અને ત્યાંના સરપંચને સ્થાનિક સરકારી સ્કૂલનું સમારકામ કરવા અને બેન્ચ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વિનંતી કરીશ.’

CJPએ ટીમો બનાવી છે જે ગામડાંઓની મુલાકાત લેશે અને રહેવાસીઓને અને સરપંચોને જાહેર ભાગીદારીથી સરકારી સ્કૂલોની સ્થિતિ સુધારવા માટે વિનંતી કરશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં અહીં આયોજિત તિરંગા યાત્રા રૅલી વિશે પૂછવામાં આવતાં અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘આવી રૅલીઓ આપણા સ્વતંત્રતાદિવસ નિમિત્તે થવી જોઈએ, પરંતુ શિક્ષણ પર પણ ધ્યાન આપવું જોઈએ કારણ કે અમને એવા વિડિયો મળી રહ્યા છે જેમાં છોકરીઓ ફરિયાદ કરતી જોવા મળે છે કે તેમને તેમની સ્કૂલ સુધી પહોંચવા માટે ૭ કિલોમીટર ચાલવું પડે છે અને કોઈ રસ્તો નથી.’

અભિજિત દીપકેએ અગાઉ સરપંચોને સરકારી સ્કૂલોના સમારકામ અને વિદ્યાર્થીઓ માટે મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આગેવાની લેવાની અપીલ કરી હતી. તેણે લોકોને તેમનાં બાળકોની સ્કૂલોની મુલાકાત લેવા અને CJPને કોઈ પણ ખામીઓની જાણ કરવા પણ વિનંતી કરી હતી.

એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘આઝાદીનાં ૮૦ વર્ષ પછી ગામડાંનાં બાળકોએ મૂળભૂત સ્કૂલ-સુવિધાઓ માટે વિનંતી ન કરવી જોઈએ. એક દેશ તરીકે આપણે ગ્રામીણ બાળકોને સૌથી ખરાબ રીતે નિષ્ફળ બનાવ્યાં છે. આ અભિયાનનો ઉદ્દેશ ગામડાંઓમાં સરકારી સ્કૂલોને સુધારવાનો છે. ગરીબીને કારણે બાળકો ટ્રાફિક સિગ્નલો પર તિરંગો વેચે એને બદલે તેમને સ્કૂલમાં જવા સક્ષમ બનાવવાં જોઈએ.’

cockroach janata party maharashtra news maharashtra mumbai mumbai news