પુણેથી નવી મુંબઈ ઍરપોર્ટ હવે એક કલાકમાં

13 July, 2025 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ–પુણે એક્સપ્રેસવેના મિસિંગ લિન્ક પ્રોજેક્ટને લીધે ઘાટ-સેક્શનનો અડધો કલાક બચી જશે : પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વની સૌથી પહોળી ૨૩ મીટરની દેશની સૌથી લાંબી ૯ કિલોમીટરની ટનલ બની રહી છે : ૯૪ ટકા કામ પૂરું થઈ ગયું છે: ડિસેમ્બર પહેલાં શરૂ કરવાના પ્રયાસ

ગઈ કાલે મિસિંગ લિન્ક પ્રોજેક્ટની મુલાકાતે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સમયની બચત થાય એ માટે મિસિંગ લિન્કનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે, એ વિસ્તારના સંસદસભ્ય શ્રીરંગ અપ્પા બારણે અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓએ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું.  

આ પ્રોજેક્ટ કઈ રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે એ વિશે માહિતી આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જે મુખ્ય ઘાટ-સેક્શન છે એમાં સૌથી વધુ વાર લાગતી હતી, સૌથી વધારે ટ્રાફિક જૅમ થતો હતો એ જગ્યાએ જ આ મિસિંગ લિન્ક તૈયાર કરવામાં આવી રહી છે. એ અંતર્ગત ટનલ બનાવવામાં આવી છે જેમાં એક ટનલ દેશની સૌથી લાંબી ટનલ છે જે ૯ કિલોમીટર લાંબી છે. વળી આ ટનલ દેશની જ નહીં, વિશ્વની સૌથી પહોળી ૨૩ મીટરની ટનલ હશે. એ ઉપરાંત અહીં જે કેબલ-સ્ટેયડ બ્રિજ તૈયાર થઈ રહ્યો છે એ પણ એન્જિનિય​રિંગ માર્વલ છે. એની જે હાઇટ છે એ ૧૮૫ મીટર છે અને એ પણ દેશમાં રેકૉર્ડ પ્રસ્થાપિત કરશે. વળી આમાં હાઇએસ્ટ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એનું એક કારણ એ પણ છે કે આ વિસ્તારમાં કલાકના ૮૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે એથી એમાં ટકી શકે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. ખાસ કરીને અહીંના કૉન્ટ્રૅક્ટર અને કામગારને અભિનંદન આપું છું કે આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં કામ કરવું બહુ મુશ્કેલ હોય છે છતાં તેઓ સતત કામ કરી રહ્યા છે. ૯૪ ટકા જેટલું કામ પૂરું થઈ ગયું છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશ‌ને અમને કહ્યું છે કે ડિસેમ્બર સુધીમાં બાકીનું કામ પણ આટોપી લેવામાં આવશે. જોકે અમે એ પહેલાં જ એ પૂરો થાય એ માટેના પ્રયાસ કરીશું. જે કામ થયું છે એ સંતોષકારક છે. અમે જે મુંબઈ-પુણે વચ્ચે એક ઇકૉનૉમિક કૉરિડોર બનાવવા માગતા હતા એની આ મિસિંગ લિન્ક છે. આ મિસિંગ લિન્કને કારણે પુણેથી લોકો એક કલાકમાં જ નવી મુંબઈ ઍરપોર્ટ આવી શકશે. એનાથી​ એક નવી ઇકોસિસ્ટમ ઊભી થશે એ માટે સૌને અભિનંદન.’

devendra fadnavis eknath shinde mumbai pune expressway news mumbai mumbai news travel travel news mumbai travel