કોસ્ટગાર્ડે અલીબાગ પાસે ફસાઈ ગયેલી શિપ પરથી ૧૪ ખલાસીઓને ઍરલિફ્ટ કરીને બચાવ્યા

27 July, 2024 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જબરદસ્ત મોજાં અને પવનને લીધે શિપ ખડક સાથે અથડાતાં એન્જિનરૂમમાં પાણી ભરાયાં

કોસ્ટગાર્ડ

મધદરિયે ભારે વરસાદ અને પવનને કારણે અલીબાગ પાસે ખડક સાથે અથડાઈને ફસાઈ ગયેલી JSW ગ્રુપની એક શિપ (બાર્જ) પરના ૧૪ ખલાસીઓને કોસ્ટગાર્ડે ભારે પવન વચ્ચે સુરિક્ષત રીતે હેલિકૉપ્ટરમાં ઍરલિફ્ટ કરીને બચાવી લીધા હતા.

એ શિપ ધરમતરથી દેવગઢ જઈ રહી હતી ત્યારે ગુરુવારે બપોરે ભારે પવન અને વરસાદને કારણે અલીબાગ પાસે ખેંચાઈને કિનારાથી એક નૉટિકલ માઇલ દૂર ખડક સાથે અથડાઈને ફસાઈ ગઈ હતી. એનું લંગર પણ લાગી રહ્યું નહોતું અને શિપ હાલકડોલક થઈને કન્ટ્રોલ ગુમાવી ચૂકી હતી. એ સિવાય ખડક સાથે અથડાવાથી શિપને નુકસાન થયું હતું અને એના એન્જિન-રૂમમાં પાણી ભરાઈ ગયું હતું. આવી પરિસ્થિતિમાં શિપ પરના ૧૪ ખલાસીઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. એથી તેમણે મૅરિટાઇમ રેસ્ક્યુ કો-ઑર્ડિનેશન સેન્ટર અને કોસ્ટગાર્ડનો સંપર્ક કરીને બચાવવા માટે મદદ માગી હતી. કોસ્ટગાર્ડની સંકલ્પ શિપને એ કૉલ ગયો હતો. મધદરિયે એ ખલાસીઓને બચાવી લેવા કોસ્ટગાર્ડે ઑપરેશન હાથ ધર્યું હતું અને એનું હેલિકૉપ્ટર મોકલ્યું હતું. એ બધા જ ખલાસીઓને હેલિકૉપ્ટરથી ઍરલિફ્ટ કરીને સુરિક્ષતપણે અલીબાગના દરિયાકિનારે લાવવામાં આવ્યા હતા. એ ખલાસીઓને ત્યાર બાદ અલીબાગની સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

mumbai news mumbai alibaug monsoon news mumbai monsoon