17 May, 2025 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભાંડુપના એક કૉલેજિયને ઇન્સ્ટાગ્રામ પર પૉર્ન ફોટોગ્રાફ્સ અને વિડિયો-કૉલ જોવાની લાલચમાં સાઇબર-ફ્રૉડનો શિકાર બનીને ૨.૭૪ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. એ પછી ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાંડુપના એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘એ યુવકે મોબાઇલ પર એક લિન્ક જોઈ હતી જે ૨૦૦૦ રૂપિયામાં ‘ઍડલ્ટ સર્વિસ’ ઑફર કરતી હતી. એ લિન્ક ઇન્સ્ટાગ્રામ પર પૉર્ન ફોટોગ્રાફ્સ અને વિડિયો-કૉલની સુવિધા આપતી હતી. તેણે એમાં પહેલાં ૨૦૦૦ રૂપિયા ભર્યા હતા. એ પછી અન્ય બહાને તેને વધુ પૈસા ભરવાનું કહેવામાં આવતાં તેણે ૪૯૯૯ રૂપિયા ભર્યા હતા. એ પછી પણ જ્યારે પૈસાની માગણી થઈ ત્યારે તેણે ભરવાની ના પાડી દીધી હતી. એ પછી તેને એક કૉલ આવ્યો હતો જેમાં કૉલ કરનાર વ્યક્તિએ પોતાને ઉત્તર પ્રદેશ પોલીસનો ઑફિસર રવીન્દ્ર સિંહ હોવાનું કહ્યું હતું અને તેણે કહ્યું હતું કે તું કોઈ છોકરીને સેક્સ્યુઅલ હૅરૅસ કરી રહ્યો છે એવી અમને ફરિયાદ મળી છે. ત્યાર બાદ ગભરાયેલા કૉલેજિયને ૨.૭૪ લાખ રૂપિયા તેને ટ્રાન્સફર કર્યા હતા. જોકે એને પછીથી જાણ થઈ હતી કે તેની સાથે છેતરપિંડી થઈ છે એટલે તેણે ફરિયાદ નોંધાવી હતી. અમે ગુનો નોંધીને એ પૈસા કોને ટ્રાન્સફર થયા અને કઈ બૅન્કમાં ગયા છે એની વિગતો કઢાવીને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.’