23 December, 2025 10:24 AM IST | akola | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનાં પરિણામોમાં અનેક રોચક કિસ્સા જોવા મળ્યા હતા. કૉન્ગ્રેસ પાર્ટીના એક યુવા ઉમેદવારે બાળાપુર નગરપાલિકામાં ખાતીબ પરિવારના ૬૫ વર્ષના શાસનને ઊથલાવીને ઇતિહાસ રચ્યો હતો. ૩૦ વર્ષનાં ડૉ. આફરીન પરવીન મોહમ્મદ જમીરે બાલાપુર નગરાધ્યક્ષપદે ૧૯૨૭ મતોથી વિજય મેળવ્યો હતો. તેમણે રઝિયા બેગમ ખાતીબને હરાવ્યાં હતાં જેમનો પરિવારના સભ્યો છેલ્લાં ૬૫ વર્ષથી આ નગરપાલિકા પર શાસન કરતા આવ્યા છે. બાળાપુર નગરપાલિકામાં કૉન્ગ્રેસે શિવસેના (UBT) સાથે મળીને ૨૫ બેઠકોમાંથી ૧૩ પર વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી.
૧૯૩૪માં બાળાપુર નગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી નગરપાલિકામાં ખાતીબ પરિવારના સભ્યો રહ્યા છે. એમાંય છેલ્લાં ૬૫ વર્ષથી તો ભૂતપૂર્વ વિધાનસભ્ય નાતિકોદ્દીન ખાતીબ પોતે અને તેમના ઉપરાંત તેમના દાદા, પપ્પા, પત્ની અને દીકરા સહિત ચાર પેઢીઓ અહીં નગરાધ્યક્ષ રહી ચૂક્યાં છે. આ વર્ષની ચૂંટણીમાં પણ તેમનાં પત્ની અને ભૂતપૂર્વ નગરાધ્યક્ષ રઝિયા બેગમ ખાતીબ મેયરપદ માટે ચૂંટણી લડી રહ્યાં હતાં. જોકે આ વર્ષે તેમને સફળતા મળી નહોતી.