કૉન્ગ્રેસી નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મિનિસ્ટરનું વિવાદાસ્પદ નિવેદન

18 April, 2026 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્વાર્થી કારણસર અને પૈસા કમાવા માટે બળાત્કારનો ભોગ બનતી મહિલાઓ સમાજ માટે કલંક છે, તેમને સમાજમાં ઉઘાડી પાડવી જોઈએ

ભૂતપૂર્વ કૉન્ગ્રેસી પ્રધાન સુબોધ સાવજી

રાજ્ય સરકારમાં પદ સંભાળી ચૂકેલા ભૂતપૂર્વ કૉન્ગ્રેસી પ્રધાન સુબોધ સાવજીએ વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું હતું કે સરકારે પોતાના પર બળાત્કાર કરાવતી મહિલાઓ સામે પોલીસકેસ દાખલ કરવો જોઈએ અને તેમનાં નામ, ફોટો અને વિડિયો-રેકૉર્ડિંગ જો હોય તો એ સમાજના ધ્યાનમાં લાવવાં જોઈએ. તેમણે આ બાબતે રાજ્યપાલને પત્ર મોકલ્યો છે અને એનાથી ખળભળાટ મચી ગયો છે.

રાજ્યપાલને લખેલા પત્રમાં સુબોધ સાવજીએ કહ્યું હતું કે ‘બે પ્રકારના બળાત્કાર હોય છે; એક, બળજબરીથી બળાત્કાર અને બીજો, સ્ત્રી દ્વારા પોતે કરાવવામાં આવેલો બળાત્કાર. બળજબરીથી થયેલા બળાત્કારમાં મહિલાઓનાં નામ ગુપ્ત રાખવાં જોઈએ, એ સમાજ માટે સારું છે; પણ સ્વાર્થી કારણસર અને પૈસા કમાવા માટે બળાત્કારનો ભોગ બનતી મહિલાઓ સમાજ માટે કલંક છે. મારો અને રાજ્યના લોકોનો સ્પષ્ટ મત છે કે આવી મહિલાઓને સમાજ સમક્ષ લાવવામાં આવે. જો આવી મહિલાઓ જાહેરમાં ખૂલે તો અન્ય મહિલાઓ આવું વર્તન નહીં કરે. સ્વાર્થી કારણસર અને પૈસા માટે બળાત્કારના કિસ્સા ઘટશે.’ 

શું લૉજિક છે આ નેતાનું?

સુબોધ સાવજીએ કહ્યું હતું કે ‘ઘણી સ્ત્રીઓ નકલી બાબા અને ગુંડાઓ પાસે નાણાકીય લાભના આડમાં અલગ-અલગ જગ્યાએ જાય છે અને બળાત્કારનો ભોગ બને છે. સરકારે આ બળાત્કારગ્રસ્ત મહિલાઓનાં નામ પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે વિડિયો વાઇરલ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. એથી અમે રાજ્યના લોકો સાથે મળીને સરકારને વિનંતી કરીએ છીએ કે જે મહિલાઓ પર અલગ-અલગ રીતે બળાત્કાર થાય છે તેમનાં નામ, ફોટો અને વિડિયો-રેકૉર્ડિંગ પ્રકાશિત કરવામાં આવે.’

sexual crime Rape Case congress maharashtra news maharashtra mumbai mumbai news