કૉંગ્રેસના મંત્રીએ મુંબઈના મેદાનનું નામ ટીપુ સુલતાન રાખ્યું, થયો વિવાદ

25 January, 2022 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રજાસત્તાક દિન નિમિત્તે મંત્રીના હસ્તે તેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.

તસવીર સૌજન્ય/ અસલમ શેખ ટ્વિટર એકાઉન્ટ

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને કોંગ્રેસ નેતા અસલમ શેખે મલાડમાં એક મેદાનનું નામ ટીપુ સુલતાન રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે મંત્રીના હસ્તે તેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જોકે, ઉદ્ઘાટન પહેલાં જ આ મેદાન વિવાદમાં આવી ગયું છે. વિપક્ષમાં બેઠેલી ભાજપે તેનો વિરોધ શરૂ કર્યો છે. ભાજપના પ્રવક્તા અને વિધાનસભ્ય રામ કદમે અસલમ શેખ પર કટાક્ષ કરતા કહ્યું કે રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે હિન્દુત્વના મુદ્દે અન્ય લોકોને સલાહ આપી રહ્યા છે. હવે તેમની જ સરકારના મંત્રીઓ મુંબઈમાં ટીપુ સુલતાનના નામે એક મેદાનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

રામ કદમે કહ્યું કે “આ એ જ ટીપુ સુલતાન છે, જેણે એક નહીં પરંતુ હજારો હિન્દુઓની હત્યા કરી હતી. હિન્દુઓના મંદિરો તોડી પાડવામાં આવ્યા છે, તેમને હેરાન કરવામાં આવ્યા છે. શું મહારાષ્ટ્રના હિન્દુત્વવાદી મુખ્યપ્રધાન આવી વ્યક્તિના સન્માનમાં તેમના નામે મેદાનનું ઉદ્ઘાટન સહન કરશે? તે પણ મહારાષ્ટ્રની ધરતી પર.”

વિશ્વ હિન્દુ પરિષદે પણ મહારાષ્ટ્ર સરકારના આ પગલાનો વિરોધ કર્યો છે. VHP પ્રવક્તા શ્રીરાજ નાયરે કહ્યું કે “અમે અસલમ શેખના આ પગલાનો વિરોધ કરીએ છીએ. જો મહારાષ્ટ્ર સરકાર આ નિર્ણય પર સ્ટે નહીં મૂકે તો અમે કાયદાકીય રીતે તેનો વિરોધ કરીશું.” તેમણે કહ્યું કે “દેશભરમાં અનેક મહાપુરુષો થયા છે. આ મેદાનનું નામ પણ તેમાંથી કોઈના નામ પર હોવું જોઈએ. ટીપુ સુલતાને હિંદુઓનો નરસંહાર કર્યો છે. તેથી મેદાનનું નામ તેમના નામ પર ન રાખવું જોઈએ.”

આ મામલે મુંબઈના મેયર કિશોરી પેડનેકરે ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે “વર્ષ 2013માં ભાજપે ગોવંડીમાં એક પાર્કનું નામ ટીપુ સુલતાન રાખ્યું હતું. હવે જ્યારે મુંબઈના મલાડ વિસ્તારમાં વધુ એક મેદાનનું નામ ટીપુ સુલતાન પર રાખવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપ તેનો વિરોધ કરી રહ્યું છે. આ ભાજપનો દંભ દર્શાવે છે.”

આપને જણાવી દઈએ કે વર્ષ 2019માં કર્ણાટકની ભાજપ સરકારે ટીપુ સુલતાનની જન્મજયંતિની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો, આ સંદર્ભમાં મુખ્યમંત્રી યેદિયુરપ્પા વતી કન્નડ સંસ્કૃતિ વિભાગે પણ પ્રતિબંધનો આદેશ જાહેર કર્યો હતો. રાજ્યમાં 2015 દરમિયાન સિદ્ધારમૈયા સરકારે ભાજપના વિરોધ બાદ પણ ટીપુ જયંતિ પર કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, બાદમાં યેદિયુરપ્પા સરકારે પોતાના આદેશમાં કહ્યું હતું કે “રાજ્યમાં ટીપુ સુલતાનની જન્મજયંતિ મનાવવાની પરંપરા ક્યારેય રહી નથી. એટલા માટે અમે પણ તેની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે.”

mumbai news maharashtra mumbai congress bharatiya janata party tipu sultan