13 September, 2025 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વર્ષા ગાયકવાડની ફાઇલ તસવીર
રાજ્યમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીની મહાયુતિની સરકાર ભયંકર કરપ્શન કરી રહી છે અને લોકોને લૂંટી રહી છે એવો આક્ષેપ કરતાં મુંબઈ કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટ અને સંસદસભ્ય વર્ષા ગાયકવાડે ગઈ કાલે કહ્યું હતું કે ‘બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હાલ સરકારે નીમેલા ઍડ્મિનિસ્ટ્રેટર હેઠળ છે અને BMC ભયંકર ભ્રષ્ટાચાર કરી રહી છે. કૉન્ટ્રૅક્ટરો ઍડ્વાન્સમાં જ નક્કી થઈ જતા હોય છે. એ પછી તેમને અનુકૂળ આવે એવાં ટેન્ડરો બહાર પાડવામાં આવે છે. આ એક વ્યવસ્થિત રીતે કરાતી પબ્લિકના પૈસાની લૂંટ જ છે. લોકોની સેવા કરવાને બદલે મહાયુતિ કૉન્ટ્રૅક્ટરોની સેવા કરી રહી છે.’
કૉન્ગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કહ્યું હતું કે ‘કરોડો રૂપિયાના ગુંદવલીથી મોડકસાગરના પાઇપલાઇન પ્રોજેક્ટમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે. શરૂઆતમા એ ૪૨ કિલોમીટર લાંબી પાઇપલાઇન બદલવાનો અંદાજિત ખર્ચ ૨૦૦૦ કરોડ રૂપિયા હતો. એક જ વર્ષમાં એની લંબાઈ વધારીને ૫૦ કિલોમીટર કરી દેવાઈ અને એની કૉસ્ટ વધારીને ૩૫૦૦ કરોડ થઈ ગઈ. ટેન્ડરમાં શરતો એવી રીતે રાખવામાં આવે છે કે એકાદ-બે જ જે ખાસ કૉન્ટ્રૅક્ટરો હોય તેઓ જ ક્વૉલિફાય થાય અને તેઓ જ બિડ કરે. આ ગેરરીતિઓ ચોક્કસપણે દર્શાવે છે કે આ પ્રોજેક્ટમાં લોકોના પૈસાની લૂંટ ચલાવાઈ રહી છે.’