કૉર્પોરેટરોની ચીમકી : સ્થાયી સમિતિની પરવાનગી વગર BMC અંદરોઅંદર કામ સોંપી દે એ નહીં ચાલે

09 March, 2026 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગટર અને પાઇપલાઇનનાં સામાન્ય કામો માટે કૉન્ટ્રૅક્ટ આપ્યા પછી મંજૂરી લેવાતી હોવાથી વિરોધ : ગયા અઠવાડિયે પચાસથી ૬૦ કરોડ રૂપિયાની દરખાસ્તો રજૂ થઈ

બીએમસી હેડક્વૉર્ટર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પરવાનગી લીધા પહેલાં જ નાનાં-મોટાં કામ માટે ફન્ડનો ખર્ચ કરી રહી છે એ બાબતે કૉર્પોરેટરોએ કડક અભિગમ દાખવ્યો છે. કૉર્પોરેટરોએ માગણી કરી છે કે વહીવટી તંત્રે સ્થાયી સમિતિની પૂર્વ પરવાનગી લીધા પછી જ સામાન્ય કામ માટે ફન્ડનો ખર્ચ કરવો જોઈએ.

BMC ઍડ્મિનિસ્ટ્રેશન બજેટના આધારે બિડિંગ પ્રક્રિયા હાથ ધર્યા પછી પાંચ લાખથી ૭૫ લાખ રૂપિયા સુધીનાં કામ અંદરોઅંદર આપે છે અને કામ અપાયા બાદ સ્થાયી સમિતિને મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવે છે. ગયા અઠવાડિયે સ્થાયી સમિતિની મંજૂરી માટે પાંચ લાખથી ૭૫ લાખ રૂપિયાની ૧૫થી ૧૬ દરખાસ્તો રજૂ થઈ હતી. આ દરખાસ્તો કુલ મળીને ૫૦થી ૬૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતની હતી.

વિવિધ કામો માટેની દરખાસ્તોને મંજૂરી આપવી કે નહીં એ સંપૂર્ણપણે સ્થાયી સમિતિ પર નિર્ભર હોવાથી કામ સોંપતાં પહેલાં મંજૂરી લેવાની માગણી કૉર્પોરેટરોએ કરી હતી. ગટરનું સમારકામ, પેવર બ્લૉક્સ બેસાડવા અને પાઇપ કનેક્શન જેવાં નાનાં કામો દર્શાવીને કરોડો રૂપિયાનાં કામ બારોબાર આપી દેવાનું BMC ઍડ્મિનિસ્ટ્રેશન માટે યોગ્ય ન હોવાનું કૉર્પોરેટરોએ જણાવ્યું હતું.

mumbai news mumbai brihanmumbai municipal corporation maharashtra government maharashtra news maharashtra