14 January, 2026 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ પોલીસ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા વર્ષ ૨૦૨૫ના વાર્ષિક ગુના અહેવાલે શહેરની સુરક્ષા-વ્યવસ્થા સામે મિશ્ર ચિત્ર રજૂ કર્યું છે. અહેવાલ મુજબ ગયા વર્ષની સરખામણીમાં મુંબઈમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જ્યારે સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ૧૩ ટકા અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં ૭ ટકાનો વધારો થયો છે.
સ્ટ્રીટ-ક્રાઇમમાં જોરદાર ઉછાળો
મુંબઈના રસ્તાઓ પર બનતી ઘટનાઓ જેવી કે સ્નૅચિંગમાં પંચાવન ટકાનો તોતિંગ વધારો થયો છે. મોબાઇલ-સ્નૅચિંગ અને બૅગ-લિફ્ટિંગ જેવી ઘટનાઓને ડામવા પોલીસે વિવિધ પ્રયત્નો શરૂ કર્યા છે. જોકે રાહતની વાત એ છે કે હત્યા, બળાત્કાર અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં પોલીસનો ડિટેક્શન-રેટ ૧૦૦ ટકા રહ્યો છે.
સાઇબર ક્રાઇમમાં પાંચ ટકાનો ઘટાડો
ટેક્નૉલૉજીના યુગમાં સાઇબર ક્રાઇમમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૪માં ૫૦૮૭ કેસ સામે ૨૦૨૫માં ૪૮૨૫ કેસ નોંધાયા છે. જોકે જાણકારોનું માનવું છે કે આ આંકડા વાસ્તવિકતા કરતાં ઓછા હોઈ શકે છે, કારણ કે અનેક લોકો હજી પણ ફરિયાદ નોંધાવતા નથી. સાઇબર ફ્રૉડમાં ખાસ કરીને શૅરબજારમાં રોકાણના નામે થતી છેતરપિંડીના કિસ્સાઓ સૌથી વધુ જોવા મળ્યા છે.
પોલીસની કામગીરી અને મિલકતની રિકવરી
મુંબઈના જૉઇન્ટ પોલીસ-કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘ગંભીર ગુનાઓ નોંધાયા હોવા છતાં તપાસની ગતિ સારી રહી છે. મિલકત સંબંધિત ગુનાઓ ગયા વર્ષ કરતાં આ વર્ષે પાંચ ટકા ઓછા નોંધાયા છે. લૂંટના કેસોમાં ૩૨ ટકા ઘટાડો થયો છે, જ્યારે ઘરફોડી એટલે કે ખાલી ઘરોમાં ચોરીના કેસમાં ૪૦ ટકા
ઘટાડો થયો છે તેમ જ વાહનચોરીમાં
૧૧ ટકાનો ઘટાડો થયો છે. એની સામે તમામ કેસોમાં સારી ગતિએ તપાસ થઈ હોવાથી લોકોને રિકવરી પણ મળી છે.’
|
ગુનાના પ્રકાર |
2024 (નોંધાયેલા) |
2025 (નોંધાયેલા) |
ટકાવારી તફાવત |
|
ચોરી |
8262 |
8060 |
2 ટકા (ઘટાડો) |
|
છેડતી |
2397 |
2468 |
3 ટકા (વધારો) |
|
હત્યાનો પ્રયાસ |
303 |
324 |
6 ટકા (વધારો) |
|
વાહનચોરી |
2589 |
2299 |
11 ટકા (ઘટાડો) |
|
હત્યા |
107 |
126 |
15 ટકા (વધારો) |
|
ઘરફોડ ચોરી (રાત્રે) |
1070 |
904 |
15 ટકા (ઘટાડો) |
|
ઘરફોડ ચોરી (દિવસે) |
237 |
179 |
24 ટકા (ઘટાડો) |
|
ચેઇનસ્નૅચિંગ |
116 |
85 |
27 ટકા (ઘટાડો) |
|
લૂંટ |
474 |
321 |
32 ટકા (ઘટાડો) |
|
સ્નૅચિંગ |
117 |
181 |
55 ટકા (વધારો) |
|
જબરદસ્તી પૈસા પડાવવા |
199 |
314 |
37 ટકા (વધારો) |
|
કુલ (તમામ ગુનાઓ) |
52,718 |
64,012 |
21 ટકા (વધારો) |