21 February, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવેલો હિમાંશુ યોગેશ પંચાલ.
વસઈના વાલિવ પોલીસે અમદાવાદમાં રહેતા ૨૬ વર્ષના હિમાંશુ યોગેશ પંચાલ નામના યુવકની મીરા રોડની યુવતીની લગ્ન કરવાને નામે છેતરપિંડી કરવાના આરોપસર મંગળવારે ધરપકડ કરી હતી. આરોપી સાઇબર એક્સપર્ટની સાથે હૅકર પણ છે અને તેણે મૅટ્રિમોનિયલ વેબસાઇટમાં ફેક આઇડી બનાવીને મીરા રોડમાં રહેતી યુવતી સાથે ફ્રેન્ડશિપ કરી હતી. આરોપી હિમાંશુ પંચાલ ગયા મહિને ફરિયાદી યુવતીને મીરા રોડમાં આવીને મળ્યો હતો ત્યારે તેણે નકલી ડાયમન્ડના દાગીના ગિફ્ટ કર્યા હતા. આથી હિમાંશુ ખરેખર પોતાની સાથે લગ્ન કરશે એમ માનીને યુવતી તેની સાથે અમદાવાદ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદી યુવતી અમદાવાદ ગઈ હતી ત્યારે આરોપી હિમાંશુએ તેની સાથે ઇચ્છા ન હોવા છતાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, યુવતી પાસેથી કીમતી મોબાઇલ અને કેટલાક રૂપિયા પણ લીધા હતા. બાદમાં તેણે યુવતીનો સંપર્ક કાપી નાખ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનું જણાતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી પોતાને દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચનો સાઇબર સિક્યૉરિટી ઑફિસર કહેતો હતો.
વાલિવ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દિલીપ ઘુગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમદાવાદના જનકપુર વિસ્તારમાં આરટીઓ સિટી સામેની સોસાયટીમાં રહેતા હિમાંશુ પંચાલે મૅટ્રિમોનિયલ વેબસાઇટમાં ફેક આઇડી બનાવી હતી. તેની પ્રોફાઇલ જોઈને મીરા રોડમાં રહેતી યુવતીએ હિમાંશુનો સંપર્ક કર્યો હતો. જોકે બાદમાં પોતે છેતરાઈ ગઈ હોવાનું જણાતાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. અમે આરોપી હિમાંશુ પંચાલની અમદાવાદમાંથી ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં જણાયું છે કે તેણે ફેક આઇડીથી બીજી ૧૦થી ૧૨ લગ્ન કરવા માગતી યુવતીઓ અને મહિલાઓને છેતરી હોવાનું કબૂલ્યું છે.’