20 February, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના નેરુલમાં રહેતાં ૫૮ વર્ષનાં મહિલા ડૉક્ટરને અજાણ્યા યુવકે ફોન કરીને એમ કહીને ડરાવ્યાં કે તમે ઇન્કમ-ટૅક્સ નથી ભર્યો એટલે તમારી ધરપકડ કરવામાં આવશે. આ રીતે ડરાવ્યા બાદ તેમની પાસેથી ૧.૮૧ કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી. નાણાકીય વર્ષનો અંત નજીક આવી રહ્યો છે ત્યારે એનો લાભ ઉઠાવીને સાઇબર ગઠિયાએ પોતાની ઓળખ ઇન્કમ-ટૅક્સ ઑફિસર તરીકે આપીને ૧૪ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી અલગ-અલગ ચાર્જિસના નામે પૈસા પડાવ્યા હતા. વેરિફિકેશન કરીને પૈસા પાછા મોકલવામાં આવશે એમ કહીને મહિલાને સુપ્રીમ કોર્ટ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના લેટરહેડ પર પૈસા આપ્યા હોવાનું લખાણ લખીને મોકલવામાં આવ્યું હતું. પોલીસે આપેલી માહિતી અનુસાર મહિલાએ આ ફ્રૉડમાં પોતાની જિંદગીભરની કમાણી ગુમાવી દીધી છે.
નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનન કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૪ જાન્યુઆરીએ બપોરે મહિલાને એક યુવાને ફોન કરીને પોતાની ઓળખ ઇન્કમ-ટૅક્સ ઑફિસર તરીકે આપીને કહ્યું હતું કે તમારો ૮,૬૨,૭૦૩ રૂપિયાનો ટૅક્સ બાકી છે જે તાત્કાલિક ભરી દો, આ અમારા તરફથી તમને છેલ્લો ફોન છે. જોકે મહિલાએ ટૅક્સ ભરી દીધો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સામેના યુવાને તમારા નામે ચાલતી કંપનીઓમાં કેટલીક ગેરરીતિઓ ચાલી રહી છે એ માટે અમે તમારી ધરપકડ કરવા આવી રહ્યા છીએ એમ જણાવતાં મહિલા ગભરાઈ ગઈ હતી. થોડી વારમાં મહિલાને વૉટ્સઍપ પર એક વિડિયો-કૉલ આવ્યો હતો જેમાં એક યુવાન પોલીસના યુનિફૉર્મમાં બેઠો હતો. તેણે મહિલાને કહ્યું કે અમને ખબર છે કે તમે કંઈ નથી કર્યું, પણ અમારે તપાસ કરવી જરૂરી છે એટલે તમારા ક્યાં અને કેટલા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ છે એની માહિતી મને આપો, એ માહિતી લીધા બાદ વેરિફિકેશન કરીને પૈસા પાછા મોકલી આપવામાં આવશે. આમ કહી ધીરે-ધીરે કરીને મહિલા પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. અંતે ૧.૮૧ કરોડ રૂપિયા લીધા બાદ મહિલાને કહેવામાં આવ્યું કે છેલ્લા ૨૦ લાખ રૂપિયા તમે મોકલી આપો એટલે હમણાંના ૨૦ લાખ અને પહેલાંના તમામ પૈસા તમને પાછા મોકલી આપવામાં આવશે. જોકે મહિલા પાસે પૈસા ન હોવાથી તેણે પોતાના સંબંધીઓ પાસેથી પૈસાની માગણી કરી હતી. એ સમયે સંબંધિત વ્યક્તિએ શા માટે પૈસા જોઈએ છે એની માહિતી પૂછતાં છેતરપિંડીની ખુલાસો થયો હતો. આ મામલે અમે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મહિલાને વિશ્વાસ અપાવવા માટે સુપ્રીમ કોર્ટ અને CBIના બોગસ લેટરહેડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.’
કુંભમેળામાં જવા માગતી પરેલની મહિલાએ સાઇબર છેતરપિંડીમાં ૩.૭૮ લાખ રૂપિયા ગુમાવ્યા
ઑનલાઇન છેતરપિંડી અને સાઇબર ક્રાઇમના કેસ સતત વધી રહ્યા છે. છેતરપિંડી અને સ્કૅમ કરવા માટે નવી-નવી રીતો અપનાવવામાં આવી રહી છે. પરેલમાં રહેતાં પંચાવન વર્ષનાં મહિલા કુંભમેળામાં જવા માગતાં હતાં. એ માટે ૭ ફેબ્રુઆરીએ ગૂગલ પર પ્રયાગરાજમાં રહેવા માટે હોટેલ શોધતાં www.Tentcitymahakumbh.org વેબસાઇટ પર મળેલા નંબર પર ફોન કરતાં સામેના યુવાને છ લોકો માટે VIP ટેન્ટની સુવિધા આપીશ એમ કહીને તમામની આધાર કાર્ડ સહિત બીજી માહિતીઓ લીધી હતી. એ પછી UP State Tourism IIના બૅન્ક-ખાતામાં છ લોકો માટે ૨.૬૧ લાખ રૂપિયા લીધા હતા. એમાં રહેવા ઉપરાંત ફ્લાઇટની કૉસ્ટ પણ સામેલ હતી. ત્યાર બાદ ટૅક્સનો ઇશ્યુ કહીને બીજા ૧.૧૭ લાખ રૂપિયા લીધા હતા. એ પછી બેથી ત્રણ દિવસ વાત કર્યા બાદ સામેના યુવાને ફોન બંધ કરી દેતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં તેમણે આ ઘટનાની ફરિયાદ એન. એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી.