કોપરખૈરણેના કન્સ્ટ્રક્શન મટીરિયલના વેપારીએ ઑનલાઇન ગેમિંગ સ્કૅમમાં ૨.૭૪ કરોડ ગુમાવ્યા

23 May, 2025 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિસેમ્બર ૨૦૨૨થી મે ૨૦૨૫ દરમ્યાન એક કહેવાતા ગેમિંગ પ્લૅટફૉર્મની ઑનલાઇન વેબસાઇટ પર વેપારી ઑનલાઇન ગેમ રમ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈના કોપરખૈરણેમાં રહેતા અને કન્સ્ટ્રક્શન મટીરિયલનો વ્યવસાય કરતા ૪૨ વર્ષના વેપારીએ ઑનલાઇન ગેમિંગ પ્લૅટફૉર્મ પર ગેમ રમીને ટૂંક સમયમાં વધારે પૈસા કમાવાની લાલચમાં ૨.૭૪ કરોડ રૂપિયા સાઇબર ફ્રૉડમાં ગુમાવ્યા હોવાની ફરિયાદ નવી મુંબઈના સાઇબર પોલીસ-સ્ટેશનમાં બુધવારે નોંધાઈ હતી. ડિસેમ્બર ૨૦૨૨થી મે ૨૦૨૫ દરમ્યાન એક કહેવાતા ગેમિંગ પ્લૅટફૉર્મની ઑનલાઇન વેબસાઇટ પર વેપારી ઑનલાઇન ગેમ રમ્યો હતો જેમાં મોટા નફાની લાલચમાં આશરે અઢી વર્ષ ૪૫૦થી વધુ ટ્રાન્ઝૅક્શનમાં તેણે પૈસા જમા કરાવ્યા હતા. એની સામે ૫.૧૦ કરોડ રૂપિયાનો નફો દેખાડવામાં આવ્યો હતો. આ રકમ પાછી કાઢવા જતાં છેતરપિંડીની ખુલાસો થયો હતો.

નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર વિશાલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડિસેમ્બર ૨૦૨૨માં ફરિયાદીને તેના એક મિત્રએ SAT Sports નામે વૉટ્સઍપ પર લિન્ક મોકલી હતી જેમાં ઑનલાઇન ગેમિંગ રમીને પૈસા કમાવા માટેની માહિતી આપવામાં આવી હતી. એ લિન્ક પર ક્લિક કરતાં એક વેબસાઇટ ખૂલી હતી જેમાં વેપારીએ રજિટ્રેશન કરાવી દીધું હતું. ત્યાર બાદ વેબસાઇટ પર વિવિધ ગેમિંગમાં ફરિયાદી ભાગ લેતો હતો જેની સામે તે અલગ-અલગ QR કોડ મારફત પૈસા પણ મોકલતો હતો. શરૂઆતના દિવસોમાં કસીનો ગેમમાં વેપારીએ જીતેલા પૈસા પાછા પણ મોકલવામાં આવ્યા હતા. એ જોઈને વેપારીને વધારે લાલચ લાગી હતી. ત્યાર બાદ આશરે અઢી વર્ષમાં વેપારી ૩.૨૪ કરોડ રૂપિયાનો ગેમિંગ વેબસાઇટ પર જુગાર રમ્યો હતો, જેની સામે ૫.૧૦ કરોડ રૂપિયાનો પ્રૉફિટ બતાવવામાં આવ્યો હતો. આ જમા રકમમાંથી પૈસા કાઢવા જતાં માત્ર ૫૦ લાખ રૂપિયા નીકળ્યા હતા, બાકીના પૈસા નીકળ્યા નહોતા. અંતે પોતાની સાથે સાઇબર છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં તેણે આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવી હતી. આ કેસમાં અમે વધુ તપાસ કરતાં આ ફ્રૉડ ભારતની બહારથી કરવામાં આવ્યું હોય એવી પ્રાથમિક માહિતી અમારી સામે આવી છે.’

cyber crime navi mumbai mumbai crime news mumbai crime news mumbai police news mumbai news