પપ્પા પ્લૅટફૉર્મ પર રહી ગયા અને ત્રણ વર્ષની બાળકી ટ્રેનમાં એકલી પુણે પહોંચી

04 May, 2026 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે-પોલીસની મદદથી બાળકી સુખરૂપ મમ્મી પાસે પહોંચી. સોલાપુર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી ૩ વર્ષની બાળકી કુર્ડુવાડીથી એકલી પુણે પહોંચી હતી

પ્રતીકાત્મક તસવીર

સોલાપુર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી ૩ વર્ષની બાળકી કુર્ડુવાડીથી એકલી પુણે પહોંચી હતી. કુર્ડુવાડી રેલવે-સ્ટેશન પર બિસ્કિટ લેવા નીચે ઊતરેલા તેના પપ્પા ટ્રેનમાં ચડે એ પહેલાં જ ઑટોમેટિક દરવાજા બંધ થઈ જતાં ટ્રેન ઊપડી ગઈ હતી એટલે તેમની દીકરી ટ્રેનમાં એકલી રહી ગઈ હતી. રેલવે-પોલીસ અને સાથી મુસાફરોની મદદથી આખરે બાળકીનું તેની મમ્મી સાથે સુખદ મિલન થયું હતું.

રેલવે-પોલીસે આપેલી માહિતી મુજબ રાહુલ ખુરમુટે તેમની દીકરી સાથે મુસાફરી કરી રહ્યા હતા. કુર્ડુવાડી સ્ટેશન પર તેમની દીકરીને ભૂખ લાગી હોવાથી તેઓ કુર્ડુવાડી પ્લૅટફૉર્મ પર બિસ્કિટ લેવા ઊતર્યા હતા. આ દરમ્યાન વંદે ભારતના ઑટોમેટિક દરવાજા બંધ થઈ ગયા અને ટ્રેન ચાલવા માંડી. પપ્પા પ્લૅટફૉર્મ પર જ રહી ગયા હતા અને સીટ-નંબર ૩૦ પર બેઠેલી બાળકી પપ્પાને ન જોતાં જોરજોરથી રડવા લાગી હતી.

આસપાસના મુસાફરોએ તરત જ ટિકિટચેકર એચ. એલ. મીનાને જાણ કરી હતી. તેમણે તાત્કાલિક પુણે કન્ટ્રોલ રૂમને અલર્ટ કરી હતી. તેમને આપેલી માહિતી મુજબ રેલવે-પોલીસના કૉન્સ્ટેબલે બાળકીના પરિવારનો સંપર્ક કર્યો હતો. ટ્રેનમાં એક મહિલા મુસાફરે બાળકીને સાંત્વન આપીને શાંત પાડી હતી. રેલવે-પોલીસે બનાવની જાણ કરીને બાળકીની મમ્મી વૈશાલી ખુરમુટેને પુણે સ્ટેશન બોલાવી હતી. ટ્રેન પુણે પહોંચતાં જ પોલીસે સુરક્ષિત રીતે બાળકીને તેની મમ્મીને સોંપી હતી.

રેલવે પ્રશાસને આ ઘટના બાદ મુસાફરોને વિનંતી કરી છે કે વંદે ભારત જેવી ટ્રેનોમાં ઑટોમેટિક ડોર હોવાથી સ્ટૉપેજ દરમ્યાન પ્લૅટફૉર્મ પર ઊતરવાનું જોખમ ન લેવું.

mumbai news mumbai solapur maharashtra news maharashtra indian railways vande bharat