મસાજ કરાવવામાં બરાબરની ચંપી થઈ ગઈ દાદરના ગુજરાતી વેપારીની

06 April, 2026 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મસાજ કરવા આવેલા યુવાને વેપારીને બાથરૂમમાં પૂરી દીધા અને પછી સાગરીતોને બોલાવીને લૂંટી લીધા : શિવાજી પાર્ક પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા

શિવાજી પાર્ક પોલીસે ત્રણેત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

દાદર-વેસ્ટના શિવાજી પાર્કના એમ. બી. રાઉત રોડ પરની એક સોસાયટીમાં રહેતા અને હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલા ૬૨ વર્ષના ગુજરાતી વેપારીના ઘરમાં મસાજના બહાને ઘૂસીને લૂંટ ચલાવનાર ૨૦ વર્ષના વિવેક ઠાકુર, ૨૦ વર્ષના વિકાસ ચૌધરી અને ૧૭ વર્ષના ટીનેજરની શિવાજી પાર્ક પોલીસે ધરપકડ કરી છે. આરોપી વિકાસે પહેલાં મસાજ માટે સંપર્ક કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો અને પછી રાતે ઘરમાં ઘૂસીને તેના મિત્રોને બોલાવીને વેપારીની મારપીટ કરીને રોકડ રૂપિયા, મોબાઇલ ફોન અને ઘડિયાળ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે. જોકે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. વિકાસને મસાજ માટે ફરિયાદીએ પોતાના ઘરમાં બોલાવ્યો હતો કે નહીં એની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

શિવાજી પાર્કના પોલીસ-ઇન્સ્પેક્ટર આકાશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી દાદરમાં હાર્ડવેરની દુકાન ધરાવે છે અને પરિવાર સાથે રહે છે. તેઓ ક્યારેક પરિવારના સભ્યોની ગેરહાજરીમાં ઘરે મસાજ માટે પુરુષોને બોલાવતા હતા. થોડા મહિના પહેલાં તેમની ઓળખ હિતેશ ઠાકુર નામની વ્યક્તિ સાથે થઈ હતી અને તેના રેફરન્સથી વિકાસ ચૌધરીએ ગયા અઠવાડિયાની શરૂઆતમાં મસાજ માટે સંપર્ક કર્યો હતો. શુક્રવારે રાત્રે ઘરમાં કોઈ ન હોવાથી વેપારીએ વિકાસને મસાજ માટે ઘરે બોલાવ્યો હતો. મસાજ દરમ્યાન વેપારી બાથરૂમમાં ગયા ત્યારે વિકાસે બાથરૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને થોડા સમય પછી તેના બે સાથીદારોને અંદર બોલાવી બાથરૂમનો દરવાજો ખોલી દીધો હતો. ત્યાર બાદ આરોપીઓએ વેપારીને ધમકી આપીને તેમની  મારઝૂડ કરીને રૂપિયા તેમ જ કીમતી વસ્તુઓ વિશે પૂછપરછ કરી હતી. એ પછી આરોપીઓ વેપારીના હાથ બેડરૂમના સોફા સાથે બાંધીને ઘરમાં રાખેલા રૂપિયા, હાથની બે ઘડિયાળ અને મોબાઇલ ફોન સહિત આશરે ૨૦,૦૦૦ રૂપિયાની માલમતા લૂંટીને રાતે ૩ વાગ્યે નાસી ગયા હતા. સવારે સાડાછ વાગ્યે વેપારીએ જેમતેમ કરીને પોતાના હાથ સોફાથી છોડાવ્યા હતા અને એ પછી ફરિયાદ નોંધાવવા આવ્યા હતા.’

આરોપીની ધરપકડ 

શિવાજી પાર્કના પોલીસ-ઇન્સ્પેક્ટર આકાશ જાધવે કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે તપાસ હાથ ધરીને ત્રણે આરોપીની ઓળખ સોસાયટીમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજના આધારે કરી હતી. ત્યાર બાદ ટેક્નિકલ માહિતીના આધારે આરોપીઓ વિશે માહિતી કઢાવી બાંદરાથી ત્રણેય જણની ધરપકડ કરી હતી. તેમની પાસેથી લૂંટાયેલો માલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓએ પૈસા મેળવવાના ઇરાદાથી મસાજ કરવાના બહાને ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી છે.’

mumbai news mumbai shivaji park dadar mumbai police maharashtra news maharashtra gujarati community news gujaratis of mumbai