મહારાષ્ટ્રમાં પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે રાઇટ ટુ ડિસકનેક્ટની માગણી

05 November, 2025 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાનને લખવામાં આવેલા પત્રમાં વિનંતી કરવામાં આવી છે કે કેરલાની જેમ વર્કર્સને કામના કલાકો પછી ફોનકૉલ કે ઈ-મેઇલના જવાબ ન આપવાનો અધિકાર મળે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની એક સંસ્થાએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને વિનંતી કરી છે કે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને કામના કલાકો પછી કંપનીના ફોનકૉલ કે ઈ-મેઇલના જવાબ ન આપવા માટે ‘રાઇટ ટુ ડિસકનેક્ટ’નો અધિકાર મળે એ માટેનો કાયદો મહારાષ્ટ્રમાં લાગુ કરવો જોઈએ.

વૉચડૉગ ફાઉન્ડેશન નામની સંસ્થાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉપરાંત ચીફ સેક્રેટરી અને લેબર ડિપાર્ટમેન્ટના સેક્રેટરીને પત્ર લખીને કેરલાના ‘રાઇટ ટુ ડિસકનેક્ટ’ના નિર્ણયને અનુસરવા અને પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓનાં હિતનું રક્ષણ કરવા માટે વિનંતી કરી હતી.

વૉચડૉગ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે ‘પ્રાઇવેટ સેક્ટરમાં ઘણા સિનિયર ઑફિસર્સ કર્મચારીઓ પર મોડી રાતે ફોનકૉલ અથવા ઈ-મેઇલનો જવાબ આપવા માટે દબાણ કરતા હોય છે. આવા કિસ્સા કમનસીબે હવે અપવાદને બદલે સામાન્ય બનતા જઈ રહ્યા છે. આવા વધુ પડતા કામના દબાણને કારણે કર્મચારીઓ માનસિક અને શારીરિક તાણ અનુભવે છે.’

શું છે કેરલાએ લાગુ કરેલો રાઇટ ટુ ડિસકનેક્ટ?

કેરલામાં તાજેતરમાં રાઇટ ટુ ડિસકનેક્ટ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે જેને લીધે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને નોકરીના કલાકો પછી કામને લગતા કોઈ પણ ફોનકૉલ કે ઈ-મેઇલનો જવાબ ન આપવાની છૂટ મળે એવો અધિકાર છે. કામના કલાકો પછી અવેલેબેલ ન રહેવા બદલ કર્મચારીઓને દંડથી બચાવવા માટે આ કાયદાકીય અધિકાર કેરલામાં આપવામાં આવ્યો છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra devendra fadnavis