અજિત પવાર જે ખાતાં સંભાળતાં હતાં એ NCPના જ અન્ય નેતાને સોંપાય એવી થઈ છે માગણી

30 January, 2026 09:53 AM IST  |  Baramati | Gujarati Mid-day Correspondent

રાજ્યસભાનાં સભ્ય સુનેત્રા પવારને એ જવાબદારી સોંપાય છે એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે

અજિત પવાર

રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારનું પ્લેન-ક્રૅશમાં નિધન થયા બાદ હવે તેમની પાસેનાં ખાતાંની જવાબદારી કોને સોંપવી એનો નિર્ણય લેવામાં આવશે. એ ખાતાં કોને સોંપવાં એ બાબતે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લેટર આપે એવી શક્યતા છે. 

અજિત પવાર પાસે ફાઇનૅન્સ, સ્પોર્ટ્સ અને સ્ટેટ એક્સાઇઝનાં ખાતાંની જવાબદારી હતી. રાજ્ય સરકાર બની ત્યારે ખાતાં-વહેંચણી વખતે આ ત્રણેય ખાતાં NCPના ફાળે ગયાં હતાં એથી હવે પછી પણ એ ખાતાં  NCPને જ ફાળવવામાં આવે એ માટે NCP પ્રયાસ કરી રહી છે. એ ખાતાં NCPના કયા નેતાઓને સોંપવામાં આવે એ પત્રમાં જણાવીને પત્ર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપવામાં આવશે. એ માટે NCPના વરિષ્ઠ નેતાઓમાં અંદરોઅંદર ચર્ચા થઈ રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. 

એ જ રીતે હવે પક્ષની ધુરા કોણ સંભાળશે એના પર પણ ચર્ચા થવા માંડી છે. પક્ષનો કાર્યભાર અજિત પવાર પોતે જ જોતા હતા. હવે તેમના ગયા પછી પક્ષના સર્વેસર્વા કોણ એ સાથે જ અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારે જ એ જવાબદારી સંભાળવી એવી લાગણી અને માગણી પક્ષના કાર્યકરો દર્શાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ તેમના બે દીકરાઓ પાર્થ કે જય પવાર બન્નેમાંથી કોઈ આગળ આવે છે કે પછી રાજ્યસભાનાં સભ્ય સુનેત્રા પવારને એ જવાબદારી સોંપાય છે એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.  

mumbai news mumbai ajit pawar celebrity death maharashtra government maharashtra news maharashtra political news nationalist congress party