05 February, 2025 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વર્ષા બંગલો
રાજ્યના મુખ્ય પ્રધાન બન્યે દેવેન્દ્ર ફડણવીસને આજે બે મહિના પૂરા થઈ રહ્યા છે એમ છતાં તેઓ મુખ્ય પ્રધાનના સત્તાવાર બંગલા ‘વર્ષા’માં શિફ્ટ નથી થયા. આ જ કારણસર એને લઈને નેતાઓમાં જાતજાતની વાતો થઈ રહી છે. આ પહેલાં તેઓ ૨૦૧૪થી ૨૦૧૯ દરમ્યાન ચીફ મિનિસ્ટર હતા ત્યારે ‘વર્ષા’ બંગલોમાં જ રહ્યા હતા, પણ આ વખતે તેમણે ત્યાં શિફ્ટ થવાની અત્યાર સુધીમાં કોઈ ઇચ્છા વ્યક્ત નથી કરી કે આ બાબતે કંઈ બોલ્યા પણ નથી.
સોમવારે સંજય રાઉતે કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસને ‘વર્ષા’માં રહેવા જવામાં શેનો ડર લાગી રહ્યો છે? જો કાળા જાદુ વિશે કોઈ બોલતું હોય તો અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા હેઠળ એની ચર્ચા થવી જોઈએ.’
જોકે ત્યાર બાદ ગઈ કાલે તેમણે સનસનીખેજ કારણ આપીને ઘટસ્ફોટ કર્યો હતો કે ‘એકનાથ શિંદેએ ગુવાહાટીમાં આવેલા કામાખ્યા મંદિરમાં કામાખ્યા દેવીને પાડાનો બલિ ચડાવીને એનાં શિંગડાંને મંતરીને ‘વર્ષા’ બંગલોની લૉનમાં ખાડો ખોદીને દટાવ્યાં છે. આ વિધિ તેમણે બીજા કોઈની પાસે મુખ્ય પ્રધાનપદ ટકે નહીં એના માટે કરાવી હોવાની ચર્ચા ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓમાં જ થઈ રહી છે. તેઓ એવું પણ કહી રહ્યા છે કે મુખ્ય પ્રધાન આ બંગલામાં રહેવા ગયા તો પણ તેઓ રાત્રે ત્યાં નહીં સૂઈ જાય એવી શરત મૂકી છે.’
આ પહેલાં શિવસેનાના નેતા રામદાસ કદમે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે જ્યારે ‘વર્ષા’માં રહેવા ગયા ત્યારે તેઓ ત્યાં લીંબુ-મરચાં લટકાવતા હતા. આ પણ એક અંધશ્રદ્ધા જ હોવાનું અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિનું કહેવું છે. સંજય રાઉતે તો એવો પણ દાવો કર્યો હતો કે મુખ્ય પ્રધાન આખા બંગલાને તોડીને નવેસરથી બંગલો બનાવવાનું વિચારી રહ્યા છે.
આ મુદ્દા પર શિવસેનાના નેતા અને રાજ્યમાં કૅબિનેટ મિનિસ્ટર દાદા ભૂસેએ સંજય રાઉતને સંબોધીને કહ્યું હતું કે ‘એવું લાગે છે કે રોજ સવારે જ્ઞાન વેચતા નેતાને કાળા જાદુની એકદમ ફાવટ છે. તેમની પાસે લોકોના હિત કે કામની વાતો નથી એટલે આવી વાતો કરી રહ્યા છે. ‘વર્ષા’ બંગલામાં ક્યારે રહેવા જવું એ મુખ્ય પ્રધાનનો નિર્ણય રહેશે. અમને લાગે છે કે બહુ જ જલદી આ બાબતે તેઓ નિર્ણય લઈને ત્યાં રહેવા જશે.’
જ્યારથી રાજ્યના મુખ્ય પ્રધાનપદે દેવેન્દ્ર ફડણવીસને બેસાડવામાં આવ્યા છે ત્યારથી એકનાથ શિંદે નારાજ હોવાની ચર્ચા થઈ રહી છે. આ જ કારણસર ગયા અઠવાડિયે તેઓ કૅબિનેટની મીટિંગમાં હાજર નહોતા રહ્યા અને સોમવારે મુખ્ય પ્રધાને બોલાવેલી અગત્યની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા. જોકે આ બાબતે ઊહાપોહ થતાં ગઈ કાલની કૅબિનેટ મીટિંગમાં તેઓ હાજર રહ્યા હતા. પાલક પ્રધાનપદને લઈને પણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાજ હોવાનું કહેવાય છે.
દીકરીની ટેન્થની પરીક્ષા પછી હું વર્ષામાં શિફ્ટ થઈશ : દેવેન્દ્ર ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં રહેવા કેમ નથી જતા એને લઈને જાત-જાતના તર્કવિતર્ક થઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે સાંજે આ બાબતે ચીફ મિનિસ્ટરે મૌન તોડ્યું હતું. તેમણે પત્રકારોને કહ્યું હતું કે ‘મને લાગે છે કે છેલ્લા થોડા સમયથી મીડિયામાં અમુક બાબતોને લઈને પાગલપન ચાલી રહ્યું છે. માફ કરજો, પણ હું સ્પષ્ટ કહું છું. એક ચૅનલ પર એવા ન્યુઝ ચાલી રહ્યા હતા કે વર્ષા પાડવામાં આવશે. શું પાગલપન છે આ. વર્ષા શું કોઈના ઘરની માલમતા છે? આમાં એવું છે કે એકનાથ શિંદેએ વર્ષા બંગલો ખાલી કર્યો ત્યારે મારે ત્યાં રહેવા જવું હતું, પણ ત્યાં નાનાં-મોટાં કામ ચાલુ હોવાથી હું શિફ્ટ ન થઈ શક્યો. આ બધા વચ્ચે હવે મારી દીકરીની ૧૭ તારીખથી ટેન્થની પરીક્ષા શરૂ થઈ રહી છે. તેણે મને પરીક્ષા પછી શિફ્ટ થવાનું કહ્યું હતું. આ જ કારણસર હું હજી ત્યાં શિફ્ટ નથી થયો. પરીક્ષા પછી હું ત્યાં જવાનો છું. અત્યારે આને લઈને પાગલો જેવી ચર્ચા ચાલી રહી છે. મને તો એવું લાગે છે કે મારા જેવા માણસે આ બાબતે જવાબ જ ન આપવો જોઈએ.’